અમદાવાદ: અમદાવાદ-બગોદરા હાઈવે પર સર્જાયેલા જીવલેણ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધીને 11 થયો છે. આ પહેલા ગઈકાલે અકસ્માત બાદ 10 લોકોના મોત થયા હતા, જોકે બાદમાં વધુ એકનું મૃત્યુ થયું હતું. જોકે અકસ્માતની ઘટનામાં 6 મહિનાની બાળકી અને 1 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. જોકે સ્વજનોને ન જોતા બાળકીઓ સતત રડી રહી છે, એવામાં નર્સ તેમનું ધ્યાન રાખી રહી છે.
ADVERTISEMENT
બાળકીની દેખરેખ કરી રહેલી હોસ્પિટલને નર્સે જણાવ્યું હકું કે, અકસ્માતમાં ઈજાગ્રસ્તોને અહીં લાવવામાં આવ્યા ત્યારે તમામ સીરિયસ હતા. આ બે બાળકીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. હાલમાં બંને સારવાર બાદ સ્વસ્થ છે. અમારા સ્ટાફ દ્વારા બંને બાળકીઓની દેખરેખ કરવામાં આવી રહી છે અને પ્રયાસ કરી રહ્યા છીએ કે બાળકીના પરિવારજનો આવે ત્યાં સુધી તેમને સાચવીએ. એક બાળકીના પગમાં ફ્રેક્ચર થયું છે.
કેવી રીતે થયો અકસ્માત?
કપડવંજ તાલુકાના સુણદા ગામે રહેતા માધાભાઈ ઝાલાને પગમાં સોજા આવતા તેમની પત્નીએ ચોટીલાએ માતાજીના દર્શન કરવાની માનતા રાખી હતી. પતિની તબિયત સારી થતા પરિવાર તથા અન્ય સગાસંબંધી મળીને ટેમ્પોમાં 18 લોકો રાત્રે 8 વાગ્યે ચોટીલા જવા નીકળ્યા હતા. સાથે અમદાવાદથી વધુ ચારેક જેટલા અન્ય પરિચીતો મળીને 23 લોકો રાત્રે 12 વાગ્યે ચોટીલા જવા રવાના થયા હતા. સવારે 7 વાગ્યે બધાએ આરતી-દર્શન કર્યા અને થોડીવાર રોકાઈને સવારે 7 વાગ્યે પાછા સુણદા જવા નીકળ્યા હતા. પોલીસ મુજબ ડ્રાઈવરે રાત ભર ઉજાગરો કરીને 350 કિમી સુધી વાહન હંકારતા ઝોકું આવી જવાના કારણે અને વાહન ઓવર સ્પીડમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે.
મૃતકોમાં 3 બાળકો, 5 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. મિની ટેમ્પો સવારે 11.30 વાગ્યે મીઠાપુર પાટીયા પહોંચતા પંચર થઈને પડેલી ટ્રક સાથે અથડાયો હતો. જેમાં મિની ટેમ્પોમાં રહેલા લોકો અંદરોઅંદર અથડાયા હતા, જેમાં સ્થળ પર જ 10 લોકોના મોત થઈ ગયા, તો મોડી સાંજે ડ્રાઈવરનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને 4 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.
ADVERTISEMENT