અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલની એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ એક ગુનામાં ધરપકડ કરી છે. ગત 3 જુલાઈના રોજ મોડી રાત્રે નબીરા તથ્ય પટેલે પોતાની કાળા કલરની થારને અકસ્માત કરીને એક કાફેની દિવાલ તોડી અંદર ઘુસાડી દીધી હતી. જે મામલે પહેલા સમાધાન થયું હતું, પરંતુ ઈસ્કોન બ્રિજ અકસ્માત તથ્ય પટેલ સામે કેફે માલિકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તથ્ય પટેલની પૂછપરછ બાદ તેને ફરી સાબરમતી જેલ મોકલાયો હતો.
ADVERTISEMENT
3 જુલાઈના અકસ્માત અંગે તથ્ય પટલની એન ડિવિઝન પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, તથ્ય તે સમયે રાત્રે મિત્ર સાથે બહાર ચા-નાસ્તો કરવા નીકળ્યો હતો. તેણે પહેલા ઝાયડસ હોસ્પિટલ સામે નાસ્તો કર્યો અને પછી પેલેડિયમ મોલ પાસે ચા પીધી હતી અને ત્યાંથી વકીલ બ્રિજ પર ફરવા નીકળ્યો હતો. બાગબાન ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને સિંધુભવન રોડ પર આવેલા એક કાફેની દિવાલ સાથે કાર અથડાવી હતી. આ અકસ્માતની વાત સવારે માત્ર માતાને કરી હતી.
નોંધનીય છે કે સિંધુભવન રોડ પર અકસ્માતની ઘટના બાદ પ્રજ્ઞેશ પટેલે કાફે માલિકને નુકસાનીના પૈસા આપીને સમાધાન કરી લીધું હતું. જોકે ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ કાફે માલિકે ફરિયાદ નોંધાવી હતી અને અકસ્માતની ઘટનામાં પૂછપરછ બાદ ફરીથી તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો હતો. આગામી દિવસોમાં તથ્ય પટેલ સામે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ ધરપકડ કરી શકાય છે.
ADVERTISEMENT