અમદાવાદ: અમદાવાદમાં હત્યાનો ચકચારી ભર્યો બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં સગા દીકરાએ માતાની હત્યા કરી અને બાદમાં પોતે પણ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાપુનગરના ભગવતીનગરમાં બનેલી આ ઘટનામાં નિર્દયી દીકરાએ માતાને માથામાં લોખંડના હથોડા માર્યા હતા અને મોતને ઘાટ ઉતારી દીધી. હાલમાં પોલીસે માતાની હત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
માતાની હત્યા બાદ દીકરાએ ફીનાઈલ પીધું
વિગતો મુજબ, બાપુનગરના ભક્તિનગર પાસેના મકાનમાં દીકરાએ માતાને માથામાં લોખંડનો હથોડો માર્યો હતો. માતાની ઘાતકી હત્યા કર્યા બાદ દીકરાએ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવકે માતાની શા માટે હત્યા કરી અને પોતે કેમ ફિનાઈલ પીધું તે જાણવા તપાસ શરૂ કરી છે. તો દીકરો દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હત્યાનું કારણ અકબંધ
નોંધનીય છે કે, આ ચોંકાવનારો હત્યાનો મામલો સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. જન્મ આપનારી જનેતાની હત્યા કરવા નિર્દયી દીકરાનો હાથ કેવી રીતે ઉઠતો હશે તે વિચારીને જ લોકોને ધ્રુજારી છુટી રહી છે. ત્યારે માતાની હત્યા દીકરાએ શા માટે કરી તેનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ADVERTISEMENT