Lawrence Bishnoi Video Viral : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોરેન્સ કથિત રીતે પાકિસ્તાની ડોન શહેઝાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલના ખાસ બેરેકમાં બંધ છે. આ વીડિયોને લઈને પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે સાબરમતી જેલ તંત્ર તરફથી આ અંગે સ્પષ્ટતા કરાઈ છે.
ADVERTISEMENT
આ અમારી જેલનો વીડિયો નથી : જેલતંત્ર
લોરેન્સના કથિત વીડિયો કોલ મામલે અમદાવાદ મધ્યસ્થી જેલ એક્શનમાં આવી છે. આ વિશે મધ્યસ્થ જેલના DySP પરેશ સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ વીડિયો સાબરમતી જેલના લાગતો નથી. વર્ષમાં 3 ઇદ આવે છે, જેથી કઈ ઇદ અને કઈ જેલનો છે, જે તપાસનો વિષય છે. ઓગસ્ટથી લોરેન્સ અમદાવાદની જેલમાં છે, તેની પાસેથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ નથી મળી આવી. લોરેન્સના બેરેકમાં રેગ્યુલર રીતે તપાસ કરીએ છીએ, જેમાં કોઈ વસ્તુ નથી મળી આવી. , જેલ ઓથોરિટી અને ATSનો જાપ્તો તેની આસપાસ રહે છે.'
આ વીડિયો AI જનરેટ હોઈ શકે : જેલતંત્ર
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'આ વીડિયો AI જનરેટ હોઈ શકે છે. ઓગસ્ટ 2023થી લોરેન્સ જેલમાં છે, લોરેન્સ પર ગુજરાત ATS અને જેલના કર્મીઓનો જાપ્તો છે. આ જાપ્તો રાઉન્ડ ધ ક્લોક હોય છે. કેદીઓની સવાર સાંજ બે સમય જડતી સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવે છે. લોરેન્સને અલગથી હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે.'
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ
આ કથિત વાયરલ વીડિયો અંગે જેલ તંત્ર કહે છે કે આ અમારી જેલના નથી તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીએ કહ્યું કે આ અંગે તપાસના આદેશ અપાયા છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 'તે જુનો વીડિયો છે કે નવો છે તેની તપાસ કરવામાં આવશે. તે ક્યાંથી લીક થયો? તે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.'
વાયરલ વીડિયોમાં બિશ્નોઈએ શું કહ્યું?
લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી. 17 સેકન્ડના વાયરલ વીડિયોમાં શહેઝાદ ભટ્ટી લોરેન્સને કહે છે કે આજે દુબઈ વગેરેમાં ઈદ થઈ છે. કાલે પાકિસ્તાનમાં થશે. લોરેન્સ પૂછે છે કે આજે નથી? આ અંગે શહજાદ ભટ્ટી કહે છે કે આજે તે અન્ય દેશોમાં ઉપલબ્ધ છે. બાકી કાલે થશે. આ પછી લોરેન્સ કહે છે કે તે કાલે વાત કરશે. જોકે વીડિયો ક્યારે અને ક્યાંનો છે? આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત સપ્ટેમ્બર 2023 દરમિયાન પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જેલથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થયો હતો. નાસિર-જુનૈદ હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસના કેદમાં રહેવા દરમિયાન મોનુ માનેસર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વીડિયો સામે આવ્યો હતો. જે મામલે પણ તપાસ કરાઈ હતી.
ADVERTISEMENT