Gujarat Rainfall News: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર અને દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તો ઠંડીના ચમકારા વચ્ચે વરસતા વરસાદમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જાણીઓ રાજ્યમાં સવારથી ક્યાં-ક્યાં વરસાદી માહોલ છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં પણ સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વમાં વસ્ત્રાલ, ઓઢવ, કાંકરિયા, લાલ દરવાજા, પંચવટી, બોપલ, નહેરૂનગર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના પર રસ્તા પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
જૂનાગઢમાં પરિક્રમા કરવા ગયેલા યાત્રિકા ફસાયા
જૂનાગઢમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક તરફ શિયાળાની શરુઆત અને બીજી તરફ આ માવઠાના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ગિરનાર પરિક્રમામાં હજુ એક લાખ યાત્રીઓ જંગલમાં હોય તેમના માટે મુશ્કેલી વધી હતી અને લોકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. ગિરનાર રોપ વે બંધ કરાતા ફરજ બજાવવા જતા પોલીસ જવાનો પણ ફરજ પર પહોંચી શક્યા નહોતા. અચાનક મોસમના બદલાવે યાત્રિકોની મુશ્કિલ વધારી દીધી છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. કેશોદ, માળિયા, ભેંસાણ, વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદથી પાક ધોવાયો છે અને ઘઉં,જીરું, ધાણા, ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થવાનો અંદાજ છે.
બોટાદમાં કડાકા-ભડાકા સાથે વરસાદ
બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. તાલુકાના ઢસા, પાટણા, પીપરડી, ગુંદાળાં, પડવદર, સમઢીયાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતની ચિંતા વધી છે. બોટાદના હડદડ ગામે કરા સાથે કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકશાન. પપૈયા,કાકડી, મરચી, ચણા, ઘઉં, કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન. હડદડ ગામના ખેડૂતો થયા પાયમાલ તાત્કાલિક ખેડુતોને સહાય મળે તેવી કિશાન સંઘના પ્રમુખે માંગ કરી.
નવસારીમાં પણ વાતાવરણમાં પલટો
નવસારીમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ શહેરનાં વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો છે. વહેલી સવારે શહેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ત્યારે ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.
સુરતમાં અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પાણી-પાણી
સુરતના વાતાવરણમાં પણ વહેલી સવારથી અચાનક પલટો આવ્યો છે. સવાર-સવારમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના વરાછા સહિતના અનેક ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ-રસ્તા પાણી-પાણી થયા હતા.
સોમનાથમાં મેળાના સ્ટોલમાં પાણી ઘુસ્યા
સોમનાથમાં પણ વરસાદના કારણે કાર્તિકી પૂનમના મેળામાં ત્રિવેણી સંગન પાસે કુટીર ઉદ્યોગ અને હસ્તશિલ્પની દુકાનોમાં ભારે નુકસાન થયું હતું. વરસાદના કારણે દુકાનોના ડોમમાં પાણી ભરાતા તેઓ પડી ગયા હતા અને વેપારીઓને મોટું નુકસાન થયું હતું.
મોરબીના વાંકાનેરામાં કરા પડ્યા
મોરબી જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જોરદાર પવન સાથે પડેલા બરફના કરાના કારણે અનેક સીરામીક ફેકટરીઓમાં નુકશાન થયું છે. તો કાશ્મીર જેવો પણ નજારો સર્જાયો છે. વાંકાનેરમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. 5 મિનિટ સુધી કરા સાથે વરસાદ પડ્યો.
વલસાડમાં ઝરમર વરસાદ
વલસાડ જિલ્લામાં ઘણી જગ્યા ઉપર ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારથી ગાજવીજ સાથે જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. વલસાડમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે લગ્ન-પ્રસંગમાં વિઘ્ન પડ્યું હતું. વલસાડના મુલ્લાવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે બાંધેલા મંડપ સહિતની સામગ્રી પલળી ગઈ હતી.
સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ
સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કમોસમી માવઠું થયું છે. સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ચોટીલા સહિત જિલ્લાભરમાં વાતાવરણમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ છે. વિજળીના કડાકા ભડાકા સાથે જીલ્લાભરમાં વરસાદી ઝાપટા છે.
નડિયાદમાં શાકભાજી પકવતા ખેડૂતો ચિંતામાં
નડીયાદ શહેરમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. કાળા ડિબાંગ વાદળો અને વીજળી કડાકા ભડાકા વચ્ચે શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો. કમોસમી વરસાદ પડતાં શાકભાજી પકવતાં ખેડૂતોમાં ચિંતા છે.
આણંદમાં પણ માવઠું
આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના તારાપુર, આંકલાવ, બોરસદ અને આણંદ પંથકમાં કમોસમી માવઠું થયું છે.
મહેસાણામાં સવારથી વરસાદી છાંટણા
મહેસાણામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદના છાંટણા પડ્યા છે. સવારથી મહેસાણા સહિત જિલ્લાભરમાં વાદળછાયા વાતાવરણથી અંધાર પટ જેવો માહોલ છે. વરસાદી માહોલના કારણે માવઠું પડતા ખેડૂતોની હાલત કફોડી બનશે.
કચ્છના અંજારમાં કરા પડ્યા
કચ્છમાં કમોસમી વરસાદ થયો છે. વહેલી પરોઢે પણ અનેક વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અંજારના ભીમાસરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
ભરૂચમાં ધીમી ધારે વરસાદ
ભરૂચ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા અને ચમકારા સાથે વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. વિઝીબીલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
સાબરકાંઠા-બનાસકાંઠામાં પણ વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. હિંમતનગરના પીપળી કંપા, કાંકરોલ કંપા, હરીપુરા કંપા, ધનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ માવઠાની અસર છે. ડીસામાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT