અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત મામલે આરોપી તથ્ય પટેલ જેલમાં છે. અકસ્માત બાદ લોકોને ધમકાવવા મામલે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel) પણ જેલમાં છે અને વારંવાર જામીન માટે અરજી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે પોતાને મોઢાનું કેન્સર હોવાનું કારણ ધરીને સારવાર માટે જામીનની માગણી કરી હતી. ત્યારે હવે સરકાર વકીલ દ્વારા પ્રજ્ઞેશ પટેલની બીમારી પર નવો જ ખુલાસો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
4 વર્ષથી પ્રજ્ઞેશ પટેલની કોઈ સારવાર નથી ચાલતી?
સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે, વર્ષ 2019 પછી તેમની કોઈ સારવાર ચાલતી નથી. પોલીસ તરફથી દલીલ કરાઈ હતી કે સિવિલની કેન્સર હોસ્પિટલમાં સારવાર થઈ શકે છે તેના માટે મુંબઈ જવાની જરૂર નથી. સરકારી વકીલ મુજબ, આ પહેલા તેમણે પોલીસને આવી કોઈ વાત કરી નથી. જે બાદ કોર્ટે જામીન અરજી 19 ઓગસ્ટ સુધી મુલાતવી રાખી છે.
નોંધનીય છે કે, જેલમાંથી બહાર નીકળવા માટે તલપાપટ થઈ રહેલા પ્રજ્ઞેશ પટેલે પોતાની જામીન અરજીમાં એવું કારણ ધર્યું હતું કે તેમને મોંઢાનું કેન્સર છે અને તેમને કેન્સરની સારવાર માટે મુંબઈ જવા જામીન આપવામાં આવે. જો સારવાર માટે જામીન નહીં આપવામાં આવે તો કેન્સર બીજા સ્ટેજમાં પહોંચી શકે છે.
નોંધનીય છે કે, ગત 20મી જુલાઈએ મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર એક થાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું. દરમિયાન ત્યાંથી પૂરપાટ ઝડપે જગુઆર કાર લઈને નીકળી રહેલા તથ્ય પટેલે ભીડને અડફેટે લીધી હતી. જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા તો અન્ય 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT