ગાંધીનગર: ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ફરી એકવાર વિવાદમાં આવી છે. એકેડમીના ગેટ નં.2 પર સંત્રી તરીકે ફરજ બજાવતો SRP પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીને ભાન ભૂલ્યો હતો અને એકેડમીમાં IPSની ગાડીને રોકીને તેમની સાથે જીભાજોડી કરી હતી. હવે આ મામલે કોન્સ્ટેબલ વિરુદ્ધમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાસ છે કે થોડા સમય પહેલા પણ કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા એક તાલીમાર્થીના રૂમમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
ADVERTISEMENT
આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનને ગાંધીનગર પોલીસ કન્ટ્રોલરૂમમાંથી વર્ધી મળી હતી કે કરાઈ એકેડમીના ગેટ નં.2 પરના સંત્રી SRP ઉદેસિંહ સૌઢા પીધેલી હાલતમાં છે અને તેમને કંપની કમાન્ડર દ્વારા કન્ટ્રોલ રૂમમાં બેસાડી રખાયા છે. જેના આધારે ડભોડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને SRPને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લવાયા હતા. અહીં તે લથડિયા ખાતા અને શરીરની સ્થિતિનું પણ ભાન નહોતું. આથી કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કોન્સ્ટેબલ ઉદેસિંહ સોઢા SRP ગ્રુપ-2, ડી-કંપની અમદાવાદમાં ફરજ બજાવે છે અને હાલ તેમની કરાઈ એકેડમીમાં ડ્યૂટી છે અને ત્યાં જ એક એરડીમાં રહે છે. તેઓ મૂળ કચ્છના અબડાસાના કંકાવટી ગામના છે અને 2011થી SRPમાં ફરજ બજાવે છે.
ગેટ પર ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલે દારૂના નશામાં જૂથ-14ના સેનાપતિ IPS વિજયસિંહ ગુર્જરની ગાડીને થોભાવી હતી અને બાદમાં જીભાજોડી કરી હતી. ઘટના સામે આવતા કરાઈ એકેડમીમાં ચકચાર મચી ગઈ હતી. કડક દારૂબંધીની વાત વચ્ચે જ્યાં મીડિયા પણ નથી પહોંચી શકતું એવી કરાઈ એકેડમીમાં ખુદ પોલીસકર્મી જ દારૂ પીને આ રીતે દારૂબંધીના નિયમના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે.
ADVERTISEMENT