Ahmedabad News: અમદાવાદમાં પ્રેન્ક વીડિયો બનાવતા યુ-ટ્યુબર સામે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રસ્તે જતા વૃદ્ધને કારમાં લિફ્ટ આપવાના બહાને બેસાડીને તેમની મજાક ઉડાવતો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર મૂકતા વૃદ્ધે યુ-ટ્યુબ ચેનલ ચલાવતા મંગેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
રસ્તે જતા વૃદ્ધમાં લિફ્ટ આપી પ્રેન્ક કર્યો
વિગતો મુજબ, જીવરાજપાર્કમાં રહેતા 78 વર્ષના વૃદ્ધ 9 ફેબ્રુઆરીએ હોસ્પિટલથી પરત ફરી રહ્યા હત. દરમિયાન એક કાર ચાલકે તેમને લિફ્ટ આપતા કહ્યું કે, કાકા બેસી જાઓ, હું તમને ઉતારી દઉં છું. આથી તે કારમાં બેઠા હતા. દરમિયાન કારમાં ચાલક અને તેનો મિત્ર બંને મસ્તી કરતા કહ્યું કે, કાકા તમારા લગ્ન થઈ ગયા? વેલેન્ટાઈન ડેમાં છોકરી સાથે પ્રેમમાં બ્રેકઅપ થાય તો શું કરવાનું? આ બાદ રસ્તે જતી યુવતીઓ બતાવીને પૂછ્યું હતું કે, આમા તમારા લાયક કોઈ છે? આમ કહીને વૃદ્ધની મજાક ઉડાવી હતી.
પાડોશીએ વાત કરતા વૃદ્ધને જાણ થઈ
આ બાદ 15 ફેબ્રુઆરીના રોજ પાડોશમાં રહેતી મહિલાએ વૃદ્ધને તેમનો વીડિયો યુ-ટ્યુબ પર હોવાનું કહ્યું હતું. જેમાં મંગેશ નામના વ્યક્તિએ એક મોટા બિઝનેસમેનનું નામ લખીને તેમની સાથે વૃદ્ધે ચા પીધી હોવાનું કેપ્શન આપ્યું હતું. આ વીડિયો મંગેશ પ્રજાપતિએ અપલોડ કર્યો હતો. જોકે વૃદ્ધની મંજૂરી વિના પરિવારની બદનામી થાય એમ વીડિયો પોસ્ટ કરનાર યુવક સામે તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT