અમદાવાદ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉંમરગામમાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત મહેમદાવાદમાં 4.50 ઈંચ, નડીયાદમાં 4.40 ઈંચ, મોરબીમાં 3.50 ઈંચ અને વઢવાણમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ માટે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે…
27 જૂન : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
28 જૂન: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
29 જૂન: સુરત, નવસારી, વલસાડ, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ.
30 જૂન: ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
હાલ ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી?
તો વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પણ નવા નીરનું આગમન થયું છે. એવામાં 6 જળાશયો હાલમાં હાઈ એલર્ટ પર છે, તો 3 એલર્ટ પર અને 1માં વોર્નિંગ સિગ્નલ આપેલું છે. સોમવારની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ છે. બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે વરસાદ થતા કચ્છના 4 અને સૌરાષ્ટ્રમાં એક જળાશય હાલ છલોછલ થઈ ગયા છે. સરદાર સરોવર ડેમમાં 51.47 ટકા પાણીનો સંગ્રહ છે.
ADVERTISEMENT