અમદાવાદ: તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા અમદાવાદના જવાનના ઘરે લક્ષ્મીજી અવતર્યા છે. અમદાવાદના 27 વર્ષના જવાન મહિપાલસિંહ વાળા આતંકીઓની ગોળી વાગતા શહીદ થઈ ગયા. મહિપાલસિંહ વાળાના પત્નીએ શુક્રવારે સાંજે દીકરીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા. જોકે બાળકીનું મોઢું જોવે તેના અઢવાડિયા પહેલા જ તેઓ વીરગતિ પામ્યા હતા. શહીદ જવાનની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ખાસ છે કે, મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડા ગામના વતની છે અને અમદાવાદમાં તેઓ રહેતા હતા. તેમણે ધો.12 પાસ કર્યા બાદ સેનામાં જોડાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. તેમને બાળપણથી જ સેનામાં જોડાવવાનો રસ હતો.
મહિપાલસિંહના પત્ની વર્ષા બાએ શુક્રવારે સાંજે દીકરીને જન્મ આપ્યો છે. જેનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે. જ્યારે દીકરીને ઘરે લાવવામાં આવી ત્યારે શહીદ પિતાના કપડા તેની પાસે રાખવામાં આવ્યા હતા અને વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. આ ભાવુક દ્રશ્યો જોઈને પરિવાજનોની આંખમાં આંસુ આવી ગયા હતા.
અઠવાડિયા પહેલા જ પુત્રને ગુમાવનારા પરિવારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જો દીકરીને મોટી થઈને સેનામાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું.
ADVERTISEMENT