અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે શહેરના માધુપુરામાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી રહી છે. યુવકની હત્યા બાદ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, અમદાવાદના માધુપુરામાં પાનના ગલ્લા પર ઊભેલા યુવક પર કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે અસારવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકની હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.
સ્થાનિક લોકોની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. લોકોની હત્યા કરનારા શખ્સોને પકડવાની માંગ છે. તો મૃતકની બહેનનો પોલીસ પર આક્ષેપ છે કે, હત્યા કરનાર શખ્સો સામે અગાઉ ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. નોંધનીય છે કે, આ પહેલા મણિનગરમાં પણ રોડ પર ગોળીબારની ઘટના બની હતી. મણિનગરના રામબાગ પાસે પોલિસ સ્ટેશન નજીક ત્રણસો એક મીટરના અંતરે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કરનાર યુવકને એકત્રિત થયેલા લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. યુવકે ઘણી વખત હવામાં જ નહીં પરંતુ સામી પણ બંદૂક ધરી દીધી હોવાનું જોવા મળ્યું હતું.
ADVERTISEMENT