અમદાવાદ: ગુજરાતમાં એક બાદ એક ઠગ સામે આવી રહ્યા છે. પહેલા નકલી PMO ઓફિસર કિરણ પટેલનો કિસ્સો સામે આવ્યો, જે હજુ સુધી ચર્ચામાં છે. તાજેતરમાં નકલી NIA અધિકારી પકડાયો હતો. હવે એક ભેજાબાજે ED ડિરેક્ટર હોવાનું કહીને કરોડોના પ્રોજેક્ટ અપાવવાનું કહીને 1.5 કરોડ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે હવે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, શહેરના સુદર્શન ટાવરમાં રહેતા ઝરણા ઠાકર સેટેલાઈટમાં એક કંપનીમાં કામ કરે છે. તેમના કર્મચારી રવિ રાવ બોપલમાં રહે છે. ગત માર્ચ મહિનામાં તેઓ પોતાના ઘર માટે પેઈંગ ગેસ્ટ શોધી રહ્યા હતા. દરમિયાન એક બ્રોકરે તેમનો સંપર્ક ઓમવીર સિંહ નામના યુવક સાથે કરાવ્યો હતો, જેણે પોતે IRS ઓફિસર અને EDમાં ડિરેક્ટર હોવાનું જણાવ્યું હતું અને પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું. અને મહિને રૂ.2 લાખના ભાડા પેટે 11 લાખનો કોન્ટ્રાક્ટ પર મકાન અપાવ્યું હતું.
બાદમાં ઓમવીર સિંહે રવિ રાવને સરકારમાં કેટલાક કનેક્શન હોવાનું કહીને સરકારી કોન્ટ્રાક્ટ્સ અપાવવાનું કહ્યું હતું. આ માટે રૂ.દોઢ કરોડ રૂપિયા લેવાની વાત કરી હતી. બાદમાં રૂપિયા પણ ચૂકવી દેવાયા. જોકે 3 મહિનામાં ઓમવીર સિંહ મકાન ખાલી કરીને જતો રહ્યો. બાદમાં રવિએ સરકારી કોન્ટ્રાક્ટ માટે પૂછતા તેણે ઉડાઉ જવાબ આપ્યો અને બાદમાં સંપર્ક જ તોડી નાખ્યો હતો. છેતરપિંડીનો અહેસાસ થતા જ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT