Ahmedabad News: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલ વિવાદોમાં સપડાઈ છે. સ્કૂલ દ્વારા ઈદના તહેવાર પર બાળકો પાસેથી નમાજ પઢાવતા વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનો દ્વારા આપત્તિ દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ સ્કૂલ દ્વારા માફી પત્ર લખીને આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઈદ પર વિદ્યાર્થીઓને નમાજ પઢવાનું શીખવાયું
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં ઈદના તહેવાર પર એક બાળક પાસે નમાજ પઢાવવામાં આવી હતી અને અન્ય બાળકોને આ શીખવવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. વીડિયો વાલીઓ અને હિન્દુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ વિરોધ નોંધાવવા માટે સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વિવાદ થતા સ્કૂલે સોશિયલ મીડિયામાંથી વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો.
હિન્દુ સંગઠનોએ સ્કૂલ પર પહોંચી વિરોધ કર્યો
ખાસ છે કે, સ્કૂલ ઘાટલોડિયા વિસ્તારમાં આવી છે, આ વિસ્તાર CM ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર પણ છે. હિન્દુ સંગઠનો દ્વારા કહેવાયું કે, એક પક્ષને ખુશ કરવા માટે નમાજનું જ્ઞાન અમારા બાળકોને શા માટે આપવામાં આવ્યું? અમે બાળકોને સ્કૂલમાં શિક્ષા આપવા માટે મોકલીએ છીએ. ધર્મનું જ્ઞાન આપવા અમે સક્ષમ છીએ. હિન્દુ બાળકોને નમાજ શીખવવાની જરૂર નથી. હિન્દુ સ્કૂલ છે તો હિન્દુ ધર્મનું જ્ઞાન આપવામાં આવે.
સ્કૂલ પર વાલીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધ સાથે હોબાળો કરતા સ્કૂલ દ્વારા માફી પત્ર લખીને આપવામાં આવ્યો છે. જેમાં ઈદના તહેવાર પર રાખવામાં આવેલા આ નમાજના કાર્યક્રમ માટે માફી માગવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેની બાંહેધરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT