Ahmedabad: કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની કરાઈ અટકાયત, બોપલ જતા પોલીસે અટકાવ્યા

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. 

Ahmedabad News

Ahmedabad News

follow google news

Ahmedabad News: રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ રહી છે. આ વચ્ચે આજે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. 

બોપલ જતા પહેલા મહિપાલસિંહની અટકાયત

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા કમલમ જઈને જૌહર કરનારી ક્ષત્રિય મહિલાઓને જૌહર ન કરવા સમજાવવા માટે જઈ રહ્યા હતા. પોલીસ દ્વારા તમામ સાત ક્ષત્રિય મહિલાઓને બોપલ સ્થિત નિવાસ સ્થાન પર નજર કેદ કરવામાં આવી છે. જોકે મહિપાલસિંહ તેમને સમજાવે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ખાસ છે કે સાંજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં તેઓ હાજરી આપવાના હતા. આવતીકાલે ધંધુકામાં રૂપાલા વિરુદ્ધ મહાસંમેલનની પણ જાહેરાત કરવામાં આવી છે.

મહિપાલસિંહે શું કહ્યું?

મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, દસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રૂપાલા સામે ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ છે. ભાજપે રૂપાલાને ઉમેદવાર ન બનાવવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે પરંતુ તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. હવે ક્ષત્રિય મહિલાઓએ જૌહર કરવાનું આપણી નબળાઈ દર્શાવે છે. જો કોઈ પક્ષ કોઈને ટિકિટ આપે છે તો એક સમુદાયને રાજી કરીને બીજા સમુદાય માટે તેમના મત મેળવવા માટે કંઈપણ કહેવું કેટલું યોગ્ય છે? રૂપાલાએ રાજકોટમાં ફરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, હવે ટિકિટ ન રદ થાય તેમ લાગી રહ્યું છે ત્યારે અમારી બહેનો જૌહર કરવાની વાત કરી રહી છે. પરંતુ યાદ રાખો કે અમારી બહેનો જૌહર કરે તે પહેલા તેમના યુવાન ભાઈઓ જીવિત છે. અમારી બહેનોને હવે જૌહર ન કરવા માટે સમજાવશે. ભાજપની પરંપરાગત વોટ બેંક રાજપૂતો છે. રાજપૂત ભાજપને વોટ આપી રહ્યા છે. 

'ભાજપ અમને સાઈડલાઈન કરશે તો ક્ષત્રિયો તેમને સાઈડલાઈન કરશે'

તેમણે વધુમાં કહ્યું કે, જો ભાજપ અમને સાઇડલાઇન કરશે તો ક્ષત્રિય ભાઈઓ તેને સાઈડલાઈન કરશે. કમળનું ફૂલ, ફરી અમારી ભૂલનો નારા લગાવશે. અગાઉ રાજપૂતોએ ત્રણ રાજ્યોમાં ભાજપને હરાવ્યું હતું. રૂપાલા સામે રાજસ્થાન, હરિયાણા, યુપીમાં પણ અરજી કરવામાં આવી છે, દેશમાં RSS છે તો 24 રાજ્યોમાં કરણી સેના પણ છે. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાનાએ કહ્યું કે, અગાઉ પરેશ રાવલે ભૂલ કરી હતી, તેમને માફ કરી દીધા હતા.

    follow whatsapp