Ahmedabad News: અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રુપો અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ ફરી અમદાવાદના બેથી ત્રણ બિલ્ડર ગ્રુપો પર આવકવેરા વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. શહેરમાં એક સાથે બે ડઝન સ્થળોએ ઈન્કમટેક્સના 150થી પણ વધુ અધિકારીઓની ટીમો ત્રાટકતા અન્ય બિલ્ડરો, જ્વેલર્સ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT
બેથી ત્રણ બિલ્ડર ગ્રુપ પર ITના દરોડા
મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના બેથી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયન્સ સિટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ, અનિલભાઈ પટેલના નિવાસ સ્થાન, ઓફિસ સહિત બે ડઝન સ્થળોએ ટીમો ત્રાટકી છે. તો અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.
બે ટોચના બ્રોકરો પર આવ્યા ઝપટમાં
અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલના નિવાસ સ્થાને અને ઓફિસ ખાતે પણ તપાસ ચાલી રહી છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઈન્કમટેક્સની ઝપટમાં આવી ગયા છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે.
150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપો પર સકંજો કસાયો છે.શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડીને 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
સપ્ટેમ્બરમાં પણ હાથ ધરાઈ હતી તપાસ
આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર મહિનામાં શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આવકવેરા વિભાગની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. તો ગયા મહિને અમદાવાદના જાણીતા બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજો કસાયો હતો.
ADVERTISEMENT