Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દિવાળીના તહેવાર ટાણે જ માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘરની બહાર રમી રહેલું 6 વર્ષનું બાળક રમતા-રમતા લિફ્ટમાં પહોંચી ગયો. આ સમયે જ લિફ્ટનો દરવાજો બંધ થઈ જતા તે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાઈ ગયો હતો. બાળકને બચાવવાના લાખ પ્રયાસો કરવા છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો અને આખરે તેનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે બાળક ફસાયું
વિગતો મુજબ, શાહીબાગના વસંત વિહાર ફ્લેટ વિભાગ-3માં આર્ય કોઠારી નામનો 6 વર્ષના બાળક રમી રહ્યો હતો. બાદમાં તે સીધો લિફ્ટમાં ગયો અને લિફ્ટ ચાલુ થઈ ગઈ. અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા બાળકે બુમાબુમ કરી હતી. પરંતુ લિફ્ટ ચાલુ થઈ જતા તેનું માથું અને શરીર પ્રથમ માળ અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રહીશો ત્યાં દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
સારવાર મળે તે પહેલા જ મોત
બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયરની ટીમે બાળકને લિફ્ટમાંથી બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયો હતો. લિફ્ટમાં માથું અને શરીર ફસાઈ જવાના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો અને તપાસ કરતા તેના ધબકારા બંધ જોવા મળ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થઈ ગયું. દિવાળીના તહેવારમાં જ નાનકડા ભુલકાના મોતથી પરિજનો શોકમાં સરી પડ્યા છે.
ADVERTISEMENT