Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું હવે છેલ્લા તબકકે ચાલી રહ્યું છે, હાલમાં જ 25મી સપ્ટેમ્બરથી રાજસ્થાન તથા દક્ષિણ પશ્ચિમ તરફથી ચોમાસાની વિદાય થવા લાગી છે ત્યારે હવે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા વગેરે જેવા વિસ્તારોથી શરૂ થઈને ગુજરાતમાંથી ચોમાસું આ વર્ષે વિદાય લઈ લેશે. આપણે જાણીએ છીએ કે આ વર્ષે પણ ખાસ કરીને ચોમાસામાં વરસાદ વરસ્યો ત્યારે એવો વરસ્યો કે ઠેરઠેર તબાહી મચાવી દીધી અને જ્યારે બ્રેક લીધી તો એવી લીધી કે ઉનાળો યાદ કરાવી દીધો. આ વખતે નિશ્ચિત જ ચોમાસુ અનિશ્ચિતતાઓથી ભરેલું રહ્યું પરંતુ હવે જ્યારે ચોમાસુ વિદાય લેવાનું છે ત્યારે આવો જાણીએ નિષ્ણાંત શું કહે છે.
ADVERTISEMENT
આ તારીખ પછી ચોમાસું લેશે ગુજરાતમાંથી વિદાય
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક વીડિયો જાહેર કરતા ચોમાસાના વિદાય અંગેની જાણકારી આપી છે. આ અંગે તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી તા. 27 કે 28મીએ કચ્છ અથવા સાબરકાંઠાના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. ધીમી ગતિએ ચોમાસુ વિદાય લેશે. દક્ષિણ ગુજરાતથી આવે છે ત્યાંથી ચોમાસું વિદાય લેશે જે વિદાય 9 ઓક્ટોબર સુધી જોવા મળશે. જતા જતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. શક્ય છે કે આ વિદાયની પ્રોસેસ દસથી બાર દિવસ જેટલી લાંબી પણ ચાલે. એટલે કે લગભગ 9 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. ત્યાં સુધી જે વરસાદ પડશે તેને નૈઋત્યનો વરસાદ કહેવાશે. 9મી ઓક્ટોબર પછી પડનારા વરસાદને માવઠા તરીકે ગણવામાં આવશે.
ADVERTISEMENT