Ayurvedic Syrup Scam: ખેડા જિલ્લામાં આયુર્વેદિક કફ સિરપ પીધા બાદ 5 લોકોના મોત બાદ રાજ્યભરની પોલીસ સફાળી જાગી છે અને ગલ્લા-મેડિકલ સ્ટોરમાં વેચાતી આવી આયુર્વેદિક સિરપના જથ્થાને જપ્ત કરવાની તથા વેચનાર સામે ગુનો નોંધવાની ડ્રાઈવ આરંભી છે. જેના પગલે ડીસા, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં આવી આયુર્વેદિક સિરપનો જથ્થો પકડાયો છે.
ADVERTISEMENT
ડીસામાં પણ આયુર્વેદિક સિરપની બોટલ પકડાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ભીલડી પોલીસે અંજની પાર્લરના ગોડાઉન તપાસ કરતા 1090 બોટલ સહીત ₹1,40,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર રીતે લાયસન્સ પરવાના કે આધાર પુરાવા વગર વેચાતી જણાતા કાર્યવાહી કરી હતી. જિલ્લા પોલીસ વડાના સૂચનથી જિલ્લામાં ઠેર ઠેર સિરપ મામલે તપાસ હાથ ધરાઈ છે. પોલીસની સાથે ડ્રગ્સ વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે.
મહેસાણામાં ગલ્લામાંથી સિરપો મળી
મહેસાણા જિલ્લાની તમામ પોલીસ પણ ગેરકાયેદસર સિરપની રેડ પાડવાના કામે લાગી છે. ત્યારે ઊંઝાથી આવી સિરપનો જથ્થો ઝડપાયો હતો. મહેસાણા એલસીબીએ ઊંઝામાં જય વિજય રોડ ઉપર આવેલ ગોકુલ ડેરી પાર્લરમાં રેડ કરી હતી. જેમાં પાર્લરમાંથી 16400ની કિંમતની 121 જેટલી વિવિધ કંપનીઓની સિરપો મળી આવી હતી. સિરપ સાથે પોલીસે મૂળ રાજસ્થાનના પાર્લર માલિક નરપતસિંહ ઉર્ફે પવન ભુરસિંહ રાજપૂતની પણ ધરપકડ કરી હતી. પાર્લરમાં કલરના પુંઠાના ખોખાઓમાં આ સિરપની બોટલો સંતાડેલી હતી.
જામગરમાં 96 નશાયુક્ત બોટલ મળી
જામનગરમાં પણ એરફોર્સ-2ના ગેટ પાસે દિપ પાનમાંથી કેફી પીણાનો જથ્થો પકડાયો હતો. નશાયુક્ત કેફી પીણાંની 96 બોટલ સહીત 14,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ કેફી પીણાંની બોટલોને ફૂડ સેફ્ટી વિભાગને સોંપી FSL માટે મોકલી દેવામાં આવી. તથા સમગ્ર બાબતે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાબરા ન.પાના મહિલા સભ્યના પતિ પાસેથી સિરપ મળી
તો બીજી તરફ ગુરુવારે પણ રાજ્યમાંથી આયુર્વેદિક સિરપના નામે નશાયુક્ત સિરપની બોટલો મળી આવી હતી. અમરેલીમાં બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિના ઘર, દુકાનેથી આવી નશાયુક્ત સિરપ ઝડપાઈ હતી. આયુર્વેદિક સિરપના નામે નશા યુક્ત સિરપની 4.50 લાખની બોટલ ઝડપાઈ હતી. પાલિકાના વોર્ડ નં.1 ભાજપના મહિલા સદસ્યના પતિ મૂળશંકર તેરૈયાનો અગાઉ 60 લાખનો આયુર્વેદિક સિરપના જથ્થો ઝડપાયો હતો. ખુલેઆમ વેચાતી આયુર્વેદિક સિરપનો જથ્થો મૂળશંકર તેરૈયાના ગોડાઉન અને ઘરેથી પોલીસે ઝડપી પાડ્યો.
સુરતમાં મેડિકલ સ્ટોર્સમાં પોલીસની તપાસ
સુરતમાં પણ ખેડા સિરપ કાંડ બાદ પોલીસ એક્શનમાં આવી છે. SOG અને PCBની ટીમ દ્વારા નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સિરપ મળી આવી હોવાની ખબર છે. જોકે પોલીસે હજુ સુધી આ મામલે અધિકૃત જાણકારી આપી નથી.
અડાલજમાં પાન પાર્લરમાં કેફી પીણાનું વેચાણ
ગાંધીનગરમાં પણ LCB એ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોર ગામેથી પાન પાર્લરની આડમાં નશાકારક કેફી પીણાંનું વેચાણ કરતા ઇસમોને કુલ 90 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઢડામાં આઈસક્રિમ ગોડાઉનમાં સિરપની બોટલો મળી
બોટાદના ગઢડામાં પણ પોલીસે આયુર્વેદિક સિરપની 80 બોટલો ઝડપી પાડી છે. ગઢડાના બોટાદ રોડપર આવેલા રાજ આઈસ્ક્રીમના ગોડાઉનમાંથી આયુર્વેદિક સિરપની બોટલો મળી હતી. પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ માટે બોટલને FSLમાં મોકલી છે, FSL રિપોર્ટ બાદ વેચાણ કરનાર સામે કાર્યવાહી કરાશે.
ADVERTISEMENT