અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી તથા AAPના સાંસદ સંજય સિંહ વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ જારી કર્યું હતું. આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે પણ બંને નેતાઓને વચગાળાની કોઈ રાહત આપવાથી ઈનકાર કરી દીધો છે અને અરજી ફગાવી દીધી છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમને કોર્ટમાં બોલાવ્યા ત્યારે હાજર રહેવું જોઈતું હતું, તમે કોર્ટને આશ્વાસન આપ્યું હતું. હવે તો દિલ્હીમાં પૂરની સ્થિતિ પણ નથી, તમે કોર્ટને ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો. કેજરીવાલના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે લોકલ કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સ્ટે આપવામાં આવે. જોકે હાઈકોર્ટે આમ કરવાથી ઈનકાર કરી દીધો હતો. હવે સૌ કોઈની નજર નીચલી અદાલતના ચુકાદા પર છે.
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ADVERTISEMENT