Navratri 2023: ગુજરાતમાં નવરાત્રીના તહેવાર માટે ખેલૈયાઓ તૈયાર છે અને ગરબા રમવા માટે આતૂર છે. જોકે નવરાત્રી પહેલા જ યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાના કારણે લોકોમાં ચિંતિત છે. જામનગર, જૂનાગઢ તથા સુરતમાં ગરબા પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા છે. આ વચ્ચે નવરાત્રીમાં સરકારે આરોગ્યલક્ષી માર્ગદર્શિકા જાહેર કરી છે.
ADVERTISEMENT
ગરબા સ્થળોએ 108ના પોઈન્ટ ગોઠવાશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખાનગી ગરબા આયોજકોએ આરોગ્યની ટીમ રાખવી ફરજિયાત છે. આ વખતે મોટી નવરાત્રી થતી હશે ત્યાં ખાસ કાળજી રાખવામાં આવશે. 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થા કરી છે. CHC અને PHC સેન્ટરમાં પણ આ મુજબની સૂચના આપવામાં આવી છે. ગરબાના આયોજકો દ્વારા પણ આ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત ગરબા નજીકના સ્થળોએ 108ના પોઈન્ટ ગોઠવવામાં આવશે.
CPRની તાલીમના કાર્યક્રમ કરાયા
તેમણે વધુમાં ઉમેર્યું કે, મેડિકલ ટીમ આયોજકોએ રાખવાની રહેશે, આરોગ્ય વિભાગે પણ વ્યવસ્થા કરી છે. માત્ર હાર્ટ એટેક નહીં પરંતુ અન્ય કોઈપણ પ્રકારના બનાવમાં આરોગ્યલક્ષી સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ભાજપ અને આરોગ્ય વિભાગ દ્વારા CPRની તાલીમના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અનેક સેવાભાવી સંસ્થા અને સામાન્ય લોકોએ તાલીમ લીધી છે. દરેક લોકોએ વર્ષે એક વખત મેડિકલ ચેકઅપ કરાવવા તેવી મારી અપીલ છે.
(ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT