અમદાવાદ: શહેરના દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બુટલેગરોને હવે પોલીસનો પણ ભય રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના સાબરમતી વિસ્તારમાં વોન્ટેડ બુટલેગર ઘરે હોવાની બાતમી મળતા તેને પકડવા માટે પોલીસ પહોંચી હતી. જોકે આ દરમિયાન ત્યાં હાજર 70 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો અને બુટલેગરને ભગાડી દીધો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મીઓને બાતમી મળી હતી કે દારૂ વેચવાના ગુનામાં આગોતરા જામીન લઈને ફરાર આરોપી નિલેશ રાઠોડ ઘરે કથા હોવાથી ત્યાં આવ્યો છે. આથી પોલીસની ટીમ તેને પકડવા માટે ગઈ હતી. જોકે આરોપી પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પરંતુ ત્યાં 70 જેટલા લોકોનું ટોળું આવી ગયું અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન વોન્ટેડ બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ટોળાએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે જ ‘આજે તો આ લોકોને છોડવાના નથી. તલવારો કાઢો આજે પોલીસને કાપી નાખીએ’ જેવી બૂમો પડી હતી. જેથી પોલીસે વધુ સ્ટાફ મગાવતા ટોળું વિખેરાઈ ગયું હતું. જોકે ટોળામાંના કેટલાક લોકોને પોલીસે પકડી લીધા હતા. ટોળાના હુમલામાં મહિલા PSI સહિત 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. નોંધનીય છે કે, વોન્ટેડ બુટલેગર નીલેશ રાઠોડ સાબરમતી, ડભોડા સહિત ઘણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ છે.
ADVERTISEMENT