અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પિરાણા ખાતે ગતરોજ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારની એજન્સી ગુજસેલના અધિકારીઓની એક બેદરકારીને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ગુજસેલના CEO નીતિન સાંગવાન અને ઓપરેશન ટીમ અને પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાને તાત્કાલિક ગાંધીનગર મુખ્યમંત્રી ઓફિસ) ખાતે બોલાવીને તેમનો ઉઘડો લેવાયો હતો.
ADVERTISEMENT
હેલિકોપ્ટર મોકલવાનું ભૂલી અધિકારીઓ
વાસ્તવમાં ગઈકાલે દસ્ક્રોઈ તાલુકાના પિરાણા ખાતે રવી કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બન્યું એવું કે આ કાર્યક્રમમાં જવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તૈયાર થયા, પરંતુ અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં પણ ગુજસેલના અધિકારીઓ હેલિકોપ્ટર ગાંધીનગર મોકલવાનું જ ભૂલી ગયા. સીએમ ભૂપેન્દ્ર પટેલની આ ટ્રિપ અધિકારીઓના મગજમાંથી જ નીકળી ગઈ. છેલ્લી ઘડી સુધી હેલિકોપ્ટર ન આવતા ભૂપેન્દ્ર પટેલને રોડ માર્ગે જવું પડ્યું હતું. આ ઘટનાથી જાણ થતાં જ ગુજસેલની કચેરીમાં દોડધામ મચી ગઈ હતી.
‘એક જ કેપ્ટન હોવાથી આ સ્થિતિ સર્જાઈ’
જે બાદ ગુજસેલના CEO નીતિન સાંગવાન અને ઓપરેશન ટીમ અને પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાને તાત્કાલિક ગાંધીનગર મુખ્યમંત્રી ઓફિસ (CMO) ખાતે બોલાવામાં આવ્યા હતા. જ્યાં સરકાર સમક્ષ બચાવ કરતા ગુજસેલનાના સીઈઓએ જણાવ્યું હતું કે,અમારી પાસે એક જ કેપ્ટન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાને જોતા ચોપરમાં 2 કેપ્ટન હોવા અનિવાર્ય છે. પરંતુ કોઈ કારણસર બે પૈકી એક કેપ્ટન હાજર ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. ભવિષ્યમાં આવી ન બને તે માટે એજન્સી દ્વારા વધુ એક કેપ્ટનની સુવિધા ઊભી કરાશે.
અગાઉથી જ કરવામાં આવે છે જાણ
આપને જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી અને ગવર્નરને કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો તેઓ સરકારી હેલિકોપ્ટર અને વિમાનનો ઉપયોગ કરે છે. જેથી સભા સ્થળ,લઈને હેલિકોપ્ટર લઈ જવું કે પ્લેન અને તેમાં કેટલાક લોકો તેમની સાથે હશે તે તમામ વિગતો ગુજસેલને અગાઉથી જ ઈમેલ દ્વારા મોકલી દેવામાં આવે છે. ગુજરાત સરકારની એજન્સી ગુજસેલને સમગ્ર શેડ્યૂલ ત્રણ કે ચાર દિવસ પહેલા જ મોકલી દેવામાં આવે છે. ત્યારે પહેલેથી જ જાણ કરી હોવા છતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે હેલિકોપ્ટર ન પહોંચતા સરકારી અધિકારીઓની નરી બેદરકારી છતી થઈ છે.
ADVERTISEMENT