Ahmedadbad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલના લંપટ શિક્ષકની કાળી કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એકલવ્ય સ્કૂલના કરાટેના શિક્ષક દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વાલીઓ દ્વારા સ્કૂલે જઈને હોબાળો મચાવવામાં આવતા લંપટ શિક્ષકને છૂટો કરી દેવામાં આવ્યો છે. તો આ મામલે વાલીઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
ADVERTISEMENT
વાલીઓએ મચાવ્યો હોબાળો
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલના કરાટેના શિક્ષક દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલ ખાતે ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો.
પોલીસની ટીમ દોડી આવી
કરાટેના શિક્ષકના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. સાથે જ વાલીઓએ આવું કૃત્ય કરનારા કરાટેના શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચીને વિરોધ નોંધાવતા પોલીસનો કાફલો એકલવ્ય સ્કૂલ ખાતે દોડી આવ્યો હતો.
અમારા બાળકો ડરી ગયા છેઃ વાલીઓ
આ દરમિયાન વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને કરાટેના શિક્ષક ક્લાસમાં લઈ જઈને ખરાબ વીડિયો બતાવે છે, સાથે જ ધમકી આપે છે કે જો તમે આ બાબતે કોઈને કંઈ કહેશો તો તમને સ્કૂલમાં કે ક્લાસમાં આવવા દેવામાં આવશે નહીં. શિક્ષકની ધમકીથી વિદ્યાર્થીઓ ડરી ગયા છે અને સ્કૂલે જવા માટે પણ તૈયાર નથી.
શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
તો બીજી બાજુ વાલીઓના આક્ષેપને પગલે શિક્ષકનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ મામલે વાલીઓએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT