Navratri: ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ સાથે ડોક્ટર-એમ્બ્યુલન્સની સુવિધા, હાર્ટ એટેકના બનાવો વધતા આયોજકોની પહેલ

Navratri 2023: ગુજરાતમાં આ વર્ષે પણ નવરાત્રિએ ગરબે ઝૂમવા માટે ખેલૈયાઓ આતૂર છે. નવરાત્રિના મહિના પહેલાથી જ ગરબા ક્લાસ શરૂ થઈ જતા હોય છે અને…

gujarattak
follow google news

Navratri 2023: ગુજરાતમાં આ વર્ષે પણ નવરાત્રિએ ગરબે ઝૂમવા માટે ખેલૈયાઓ આતૂર છે. નવરાત્રિના મહિના પહેલાથી જ ગરબા ક્લાસ શરૂ થઈ જતા હોય છે અને અવનવી ગરબાની સ્ટાઈલ ખેલૈયાઓ શીખવા જતા હોય છે. જોકે રાજ્યમાં અચાનક હાર્ટ એટેકના વધતા કિસ્સાઓથી સૌ કોઈ ચિંતિત છે. ખાસ કરીને તાજેતરમાં જ ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરતા યુવાનોના હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવ્યા છે. એવામાં આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

ગરબા આયોજકો ગ્રાઉન્ડ પર રાખશે એમ્બ્યુલન્સની સુવિધા

ગુજરાતમાં નવરાત્રિ પર વિવિધ સ્થળો પર આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જોકે યુવાનોમાં હાર્ટ એટેકના વધતા બનાવોના કારણે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરમાં ગરબા આયોજકો દ્વારા ઈમરજન્સીના કિસ્સામાં એમ્બ્યુલન્સ તથા તબીબોની ટીમ ખડેપગ રાખવામાં આવશે. આ ઉપરાંત ગરબાના રાઉન્ડનો સમય પણ આયોજકો દ્વારા ઘટાડીને ઓછો કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી ખેલૈયાઓનો પૂરતો આરામ મળે અને તેઓ શરીર પર વધારે કષ્ટ ન પડે. ઈમરજન્સીની સ્થિતિ માટે દબાઓનો પણ સ્ટોક મેદાન પર જ ઉપલબ્ધ હશે.

ખેલૈયા તકલિફ જણાય તો તબીબને જાણ કરી શકશે

ઉપરાંત આયોજકો દ્વારા યુવાઓને એનાઉન્સમેન્ટ દ્વારા સમજાવવામાં આવશે કે ગરબા આનંદ માટે રમે, જીવના જોખમે નહીં. જો તબિયત થોડી પણ ખરાબ જણાય તો તાત્કાલિક જાણ કરે જેથી તેમને તાત્કાલિક તબીબી સહાય મળી રહે. સાથે તબીબોની ટીમ પણ ત્યાં હાજર ખેલૈયાઓને જઈને તેમને કોઈ તકલીફ છે કે નહીં તે અંગે પૂછશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી બાદથી હૃદય રોગના હુમલાના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. ઘરમાં બેઠા બેઠા તો ક્યારેક ગરબાના ક્લાસમાં પ્રેક્ટિસ કરતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયાના ચોંકાવનારા કિસ્સાઓએ સૌ કોઈને ચિંતિત કરી દીધા છે.

    follow whatsapp