Ahmedabad News: અમદાવાદમાંથી વીમાના 80 લાખ લેવાના ચક્કરમાં 17 વર્ષ પહેલા આગ્રામાં થયેલા એક અકસ્માતનો ભેદ ખૂલ્યો છે. LICમાંથી લીધેલા વીમાની રકમ માટે યુવકે પરિવાર સાથે મળીને ફિલ્મને પણ ટક્કર મારે તેવો પ્લાન ઘડ્યો હતો અને આગ્રામાં ભીખારીને કારમાં સળગાવીને હત્યા કરી નાખી હતી. અકસ્માતે પોતાના મોતનું ષડયંત્ર કરીને યુવક અમદાવાદ આવીને નામ બદલીને રહેવા લાગ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આખો પ્લાન ફેલ કરી નાખ્યો હતો.
ADVERTISEMENT
બાતમીના આધારે નિકોલમાંથી આરોપી પકડાયો
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં અનિલસિંહ મલેક નામના યુવકે વીમો પાસ કરાવવા ભીખારીની હત્યા કરી હતી. બાજમાં તે અમદાવાદમાં રાજકુમાર ચૌધરી નામથી રહેતો હતો. જે બાદ નિકોલમાં ગંગોત્રી સર્કલ નજીક પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબૂલ્યું હતું કે, એક ભીખારીની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 2006માં LICના પ્લાનમાં અકસ્માતે મોતમાં વ્યક્તિના પરિજનોને ચાર ગણી રકમ ચુકવાતી હતી. અનિલસિંહે વિજયપાલ મલેક પાસે 20 લાખનો પ્લાન લીધો હતો અને તેને પાસ કરાવીને 80 લાખ લેવા ષડયંત્ર રચ્યું હતું.
ભીખારીની હત્યામાં પરિવાર પણ સામેલ
આ બાદ અનિલસિંઘે પોતાના પિતા, ભાઇ તથા ઓળખીતાને લઈને આગ્રા પહોંચી ગયો હતો. અહીં આગ્રા ટોલનાકા પાસે એક ભિખારીને જમાડવાના બહાને કારમાં બેસાડી દીધો હતો. બાદમાં તમામ લોકોએ ભીખારી માટે જમવાનું મંગાવ્યુ હતું જેમાં ઘેનની ગોળીઓ નાખી દીધી હતી. ભીખારી બેભાન થઈ જતા તેને ડ્રાઇવર સીટ પર બેસાડી દીધો હતો અને બાદમાં તમામ લોકોએ કારમાં આગ લગાવીને અકસ્માત થયો હોવાનું તરકટ રચ્યુ હતું. ભીખારીના અંતિમ સંસ્કાર કરીને પરિવારે બારમું પણ કરી નાખ્યું હતું.
આગ્રામાં હત્યા બાદ અમદાવાદમાં ભાગીને આવ્યો
આ બાદ આરોપીઓએ અનિલસિંઘનું અકસ્માતમાં મૃત્યુ થયાનું જણાવીને વીમાના 80 લાખ રૂપિયા લઈ લીધા હતા અને આ પૈસાને સરખે ભાગે વહેંચી લીધા હતા. આ બાદ અનિલસિંઘ અમદાવાદમાં આવીને નામ બદલીને રહેતો હતો. તેણે નિકોલમાં ફ્લેટમાં રહીને નવા નામથી ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ઘ ખોટા ડોક્યુમેન્ટ બનાવવાનો તથા હત્યાનો ગુનો નોંધ્યો હતો. સાથે જ આગ્રા પોલીસનો પણ સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT