અમદાવાદ: અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ગ્વાલિયા સ્વીટ્સમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ઢોંસા સાથે સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. જે બાદ ગ્રાહકે સમગ્ર વિગતો ટ્વીટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ગ્વાલિયા તરફથી યુવકની લેખિતમાં માફી માગવામાં આવી હતી.
ADVERTISEMENT
ઘાટલોડિયાનો યુવક પરિવાર સાથે જમવા ગયો હતો
વિગતો મુજબ, રથયાત્રાના દિવસે ઘાટલોડિયાનો જીગર વાઘવાણી નામનો યુવક પરિવાર સાથે થલતેજની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. જ્યાં પરિવારે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે ચટણી અને સંભાર આપવામાં આવ્યા હતા, જેમાં સંભારમાં વંદો નીકળ્યો હતો. સંભારમાંથી વંદો નીકળતા યુવક દ્વારા સ્ટાફને બોલાવીને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ગ્વાલિયા તરફથી સંભાર પાછો લઈ લીધો હતો. તો યુવકે લેખિતમાં ભૂલ સ્વીકારવાની માગણી કરી હતી. જેમાં ગ્વાલિયા સ્વીટ્સ દ્વારા ઈ-મેઈલથી યુવકની માફી માગવામાં આવી હતી.
યુવકે કોર્પોરેશનને કરી ફરિયાદ
સમગ્ર મામલે જીગરે ટ્વીટ કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. સાથે જ ગ્વાલિયા દ્વારા ભૂલ સ્વીકારીને માગવામાં આવેલી માફીનો ઈ-મેઈલ પણ ટ્વીટમાં મૂક્યો હતો. જોકે હજુ સુધી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT