હેતાલી શાહ/નડિયાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થતા બે વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે 10 બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે, જેમાંથી 3 વ્યક્તિઓએ ગંભીરરૂપથી ઈજાગ્રસ્ત છે. અકસ્માતની જાણ થતાં જ 108ની નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જોકે અકસ્માત થયેલી SUV કારના કાચ પાસેથી MLA ગુજરાત લખેલી પ્લેટ મળી આવી છે.
ADVERTISEMENT
વડોદરાથી સચિવાલય જતી બસને નડ્યો અકસ્માત
અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો. અકસ્માત ત્યારે થયો જ્યારે એસ.ટી બસ એક્સપ્રેસ હાઈવે પરથી વડોદરાથી અમદાવાદ સચિવાલય જઈ રહી હતી. દરમ્યાન નડીયાદના ફતેપુરા સીમ પાસે સામેની લેનમાંથી ડીવાઈડર કૂદી એક SUV એસ.ટી બસની સામે એકાએક આવી ગઈ હતી. એસ.ટી બસના ચાલકની સમય સૂચકતા દાખવીને બસને રોડની સાઈડમાં ખાડામાં વાળી લીધી નહીંતર બસમાં સવાર તમામ 30 પેસેન્જરોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હોત.
અકસ્માતમાં બે વ્યક્તિના મોત અને 10 ઘાયલ
દરમ્યાન એક અર્ટિગા કાર બસને ઓવરટેક કરી રહી હતી, તેને પણ બસની ટક્કર વાગી હતી. જોકે અર્ટિગા કારને કંઈ ખાસ નુકશાન થયુ નથી. પરંતુ આ અકસ્માતમાં ડીવાઈડર કૂદીને આવેલી લાલ કલરની SUV કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે બસમા 30 પેસેન્જર સવાર હતા. બસ હાઈવેના રોડના ખાડામાં ખાબકતા બસના ઈમરજન્સી દરવાજામાંથી તમામ પેસેન્જરને કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 10 વ્યકિતઓ ઘાયલ થયા છે, જેમાંથી 3 વ્યકિતઓ ગંભીરરૂપથી ઘાયલ છે. ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પેટ્રોલિંગ વાન, નડિયાદ , આણંદ , ઉત્તરસંડાની 5 જેટલી 108 વાન ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સૌ પ્રથમ નડીયાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા , ત્યાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બસના ડ્રાઈવરે અકસ્માત પર શું કહ્યું?
ગમખ્વાર અકસ્માત અંગે બસના ડ્રાઇવર રાકેશ વસાવાએ જણાવ્યુ કે, “બસ બરોડાથી સચિવાલય ગાડી જઈ રહી હતી. અને નડિયાદની નજીક સામેથી ગાડી ડિવાઈડર કૂદીને આવી ગઈ. ફોર વ્હીલ ડીવાઈડર કૂદીને આવી એટલે મેં જોયું કે ગાડી આવે છે. એટલે મારી ગાડી કાબૂ બહાર થઈ ગઈ એટલે ડીવાઈડર બાજુની ખાલી સાઈડ આવે ત્યાંથી કૂદાવી મારી ગાડી નીચે જતી રહી. બીજી અર્ટીગા ગાડી ક્યાંથી આવી એ ખબર નથી.
કારમાંથી MLA ગુજરાતની પ્લેટ મળી
આ ઘટનામાં મહત્વની વાત એ સામે આવી છે કે, જે SUV કાર ડીવાઈડર કૂદાવી રોંગ સાઈડમા પલ્ટી ને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો તે કારના તૂટેલા કાચ પરથી MLA ગુજરાત લખેલી પ્લેટ મળી આવી છે. જેને લઈ અનેક તર્ક વીતર્ક શરૂ થયા છે. જોકે જેમના મોત થયા છે એમની હાલ ઓળખ થઈ શકી નથી.
ADVERTISEMENT