અમદાવાદ: અમદાવાદમાં વધુ એક ગોજારો અકસ્માત બન્યો છે. શહેરના અમદાવા-બગોદરા હાઈવે પર જીવલેણ અકસ્માતમાં 10 લોકોના મોત થઈ ગયા. જેમાં રોડ પર પડેલી બંધ ટ્રકની પાછળ છોટા હાથી ઘુસી જતા દસ જેટલા લોકો મોત થયા હોવાની વિગતો મળી રહી છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. વિગતો મુજબ, મૃતકો ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ DySPનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, અમદાવાદ-બગોદરા હાઈવે પર પંચર થતા ટ્રક રોડ પર ઊભો હતો. દરમિયાન પાછળથી આવતા છોટા હાથી ટ્રક ધડાકાભેર ટ્રકમાં ઘુસી ગયો હતો. જાણકારી મુજબ છોટા હાથીમાં બેઠેલા લોકો કપડવંજના સુણદા ગામના વતની હતા અને ચોટીલા દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેમના વાહનને અકસ્માત નડ્યો હતો.
ટ્રક સાથે છોટા હાથીની ટક્કર થતા 10 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકોને બહાર કાઢીને તથા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી સંભાવના છે.
(વિથ ઈનપુટ: સાજિદ બેલિમ)
ADVERTISEMENT