લોકગાયક વિજય સુવાળાની ધરપકડ, મારામારીના કેસમાં ઓઢવ પોલીસની કાર્યવાહી

Gujarat Tak

28 Aug 2024 (अपडेटेड: Aug 28 2024 10:47 PM)

Vijay Suvada: ગુજરાતના જાણીતા લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ, દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા, ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ સામે ફરિયાદ નોંધાવી છે.

 Vijay Suvada

વિજય સુવાળાની ધરપકડ

follow google news

Vijay Suvada: ગુજરાતના જાણીતા લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. એટલું જ નહીં પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ,  ભાજપ નેતા દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા, તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. 

દિનેશ દેસાઈએ નોંધાવી હતી ફરિયાદ

ઓઢવ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા ભાજપ નેતા દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને પછી રાતો રાત ભાજપમાં આવી ગયેલા જાણીતા લોક ગાયક વિજય સુવાળા, તેમના ભાઈ યુવરાજ સુવાળા, સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, રેન્ચુ શેઠ, વિક્કી, રાજુ રબારી, દિલીપ ઠાકોર, જયેશ દેસાઈ, ભાથીભા, જિગર ભરવાડ સહિત 30થી વધુ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

દિનેશ દેસાઈએ આરોપ લગાવ્યો હતો કે મારી ઓફિસ પર વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિત 30થી વધુ લોકોના ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તો આ સમગ્ર ઘટનાના એક CCTV ફુટેજ સામે આવ્યા હતા. જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળ્યા હતા. 

ફરિયાદી દિનેશ દેસાઈએ શું કહ્યું હતું?

ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટની રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 30થી વધુ લોકોનું ટોળુ લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસ આવ્યા હતા. ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વિજય સુવાળાએ ઘટના અંગે શું કહ્યું હતું?

તો બીજી તરફ વિજય સુવાળાએ તમામ આરોપો ફગાવ્યા હતા. વિજય સુવાળાએ આરોપ લગાવ્યા હતા કે, તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ગુજરાતની જનતાને કહેવા માંગું છું કે, દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ-ચાર વર્ષથી મારી પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો. મારી પાસે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો. મને કહેતો હતો કે મારી સત્તા ખુબ છે અને મારી પહોંચ બહુ ઊંચી છે. હું ગમે તે કરીશ, ગમે તને ફસાવી દઈશ. ગમે તે રીતે મારીશ. તમામ ધમકી આપેલી છે. આ બધુ તેને કરવા પાછળનું એક જ કારણ છે કે તે સમાજની દીકરીઓને તે અવારનવાર હેરાન કરતો હતો. જેની ફરિયાદો પાંચ-છ અમારી પાસે આવી, જે વિશે સામાજિક કાર્યકરો અમે મોકલ્યા હતા.

વિજય સુવાળાએ કહ્યું હતું કે, તેણે કાર્યકરોને સીધી ધમકી આપી કે આ પ્રકારે મારા ઘરે આવશો નહીં અને આ બાબતે મને પ્રશ્નો પૂછવા નહીં. સત્તાનો દુરૂપયોગ કરીને મારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તે મેટરમાં હું ઈન્ટરફિયર હતો નહીં. હું હાજર હતો નહીં. માત્રને માત્ર ખોટી ફરિયાદ કરાવી છે. તે સતત મને રાત-દિવસ ધમકીઓ આપતો હતો. છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરોને મોકલ્યા કે ભાઈ તું શું કામ છોકરાને હેરાન કરે છે. અમારા લોકોને ગાળાગાળી કરવામાં આવી અને તેને ભાગી જવા કહ્યું. જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું. તેમ છતા ખોટી ફરિયાદ કરવામાં આવી છે.'

પહેલા મિત્રતા બાદમાં દુશ્મની કેમ?

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દિનેશ દેસાઈ અને વિજય સુવાળા ખાસ મિત્રો હતા, પરંતુ વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું હતું, જેના કારણે સંબંધ તેમણે તોડી નાખ્યો હતો. વર્ષ 2020માં વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર બબાલ થઇ હતી, તે મામલે પણ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

    follow whatsapp