Ahmedabad Crime News: અમદાવાદના ચાણક્યપુરીમાં રહેતી એક મહિલાને જન્મેલી મૃત બાળકીને અંતિમ સંસ્કાર માટે લઈ ગયેલા પતિએ કચરામાં ફેંકી દેવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સોલા હાઈકોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા કુંવારી માતા બની હતી, તેથી તેણે પોતે જ જીવતા નવજાત બાળકને જમીન પર પછાડીને મારી નાખ્યું હતું. જે બાદ તેણે તેને પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ઘરના માળિયે મૂકી દીધું હતું. ત્યારબાદ બીજા દિવસે તેને બિલ્ડીંગની છત પરથી કચરાપેટીમાં ફેંકી દીધું હતું.
ADVERTISEMENT
મહિલાએ સામેથી પોલીસને ફોન કર્યો અને ફસાઈ
ઘટનાની વિગતો મુજબ, 5 ડિસેમ્બરના રોજ સાંજે 5.39 કલાકે ચાણક્યપુરીના ચેહરનગરમાં એક રૂમમાં રહેતા અમિતા ચૌહાણે પોલીસ કંટ્રોલ રૂમને જણાવ્યું હતું કે, તેણે નવજાત મૃત બાળકીને જન્મ આપ્યો હતો. તેનો પતિ પ્રદીપ ત્યાગી નવજાતને અંતિમ સંસ્કાર માટે લઈ ગયો હતો, પરંતુ તેણે બાળકીના અંતિમ સંસ્કાર કરવાના બદલે કચરામાં ફેંદી દીધી હતી. આ મેસેજના આધારે સોલા હાઈકોર્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
જ્યારે સોલા હાઈકોર્ટ પોલીસે અમિતાબહેનની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું કે, 3જી ડિસેમ્બરની રાત્રે 11 વાગ્યે હોસ્પિટલ લઈ જતી વખતે ડિલિવરી થવાને કારણે તેણે મૃત બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ પ્રદીપ નવજાતને અંતિમ સંસ્કાર કરવા લઈ ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો.
મહિલાને પ્રેમી સાથે સંબંધ બંધાતા બાળકી જન્મી
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, પ્રદીપ ત્યાગી મધ્યપ્રદેશનો વતની છે અને તેણે અમિતાબહેન સાથે લગ્ન કર્યા નથી અને તેમની વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જે દિવસની વાત અમિતા કરી રહી હતી તે દિવસે પ્રદીપ ત્યાગી મધ્યપ્રદેશમાં હતો. દરમિયાન, પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે બાળકી જન્મ સમયે જીવિત હતી અને માથામાં ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું.
જે બાદ પોલીસે અમિતા બહેનની વધુ પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેના અને પ્રદીપ વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો હતા, જેમાં તે ગર્ભવતી બની હતી. પરંતુ અપરિણીત હોવાથી તેણે બાળકીને જન્મ બાદ જમીન પર પછાડીને મારી નાખી અને બાદમાં માળિયામાં લાશ સંતાડી દીધી. બીજા દિવસે રાત્રે ઘરની પાછળ કચરો ફેંકવાના બહાને નવજાતની લાશને ફેંકી દીધી. સત્ય બહાર આવ્યા બાદ સોલા હાઈકોર્ટ પોલીસે અમિતાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT