Ahmedabad Accident News: અમદાવાદના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે વધુ એક અકસ્માત બન્યો હતો. મોડી રાત્રે 3.26 વાગ્યે બે કાર ખુલ્લા રોડને રેસિંગ ટ્રેક બનાવી દીધો હતો. જેમાં મર્સિડિઝ કારે અન્ય બે કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે કારનું ટાયર પણ નીકળી ગયું હતું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ટાયર નીકળી ગયા બાદ કાર રોડ પર ઢસડાતી નજર આવી રહી છે.
ADVERTISEMENT
દારૂના નશામાં કાર ચલાવી હોવાનો આક્ષેપ
અકસ્માત બાદ વિગતો સામે આવી હતી તે મુજબ, મર્સિડિસ કાર રિશીત પટેલ નામનો નબીરો હંકારતો હોવાનું સામે આવ્યું છે. સાઉથ બોપલમાં રહેતા ભાવેશ ચોકસી મોડી રાત્રે સિંધુભવન રોડ પરથી પોતાની હ્યુંડાઈ કાર લઈને નીકળ્યા હતા. ત્યારે જ નશાની હાલતમાં પૂરપાટ ઝડપે મર્સિડિઝ કાર હંકારીને આવતા રીશીત પટેલે તેમની કારને ટક્કર મારી હતી. આ મામલે ભાવેશ ચોકસીએ એન ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માત બાદ નંબર પ્લેટ કાઢી નાખી હોવાનો આરોપ
અકસ્માતનો ભોગ બનનારનો આરોપ છે કે, અકસ્માત બાદ કારની નંબર પ્લેટ કાઢી લેવામાં આવી હતી અને રિશીત પટેલના માણસોએ આવીને લોકોને ધમકાવ્યા હતા. કારનું ટાયર ફાટ્યું એટલે ગાડી ઊભી રાખી નહીંતર અકસ્માત સર્જીને ભાગી જાત.
કાર અકસ્માત સમયે કેટલી સ્પીડમાં હતી?
તો બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક રિશીત પટેલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપી રિશીત પટેલે મીડિયા સામે અકસ્માતનું બીજું જ કારણ જણાવ્યું હતું અને કહ્યું કે, સામેની કારે ટર્ન લીધો અને તે સમયે મારી કારનો અકસ્માત થઈ ગયો. રેસિંગની કોઈ વાત જ નથી. મારી કારની સ્પીડ 80ની હતી. જ્યારે કારની નંબર પ્લેટ કાઢી લેવા પર સવાલ પૂછાયો તો તેણે આ મામલે પોતાને કંઈ ખબર જ ન હોવાનો ઉડાઉ જવાબ આપી દીધો હતો. ત્યારે જોવાનું રહેશે કે નબીરાઓ વારંવાર પોતાના શોખ માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તથ્ય પટેલ સામેની કડક કાર્યવાહી બાદ પણ આવા બનાવ બની રહ્યા છે, તો શું પોલીસ આવા નબીરાઓને પાઠ ભણાવવા માટે ખાસ પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહેશે.
ADVERTISEMENT