Arvind Kejriwal News: ગુજરાત યુનિવર્સિટી બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ તરફથી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે સમન્સ નીકળી ગયું છે. બદનક્ષી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં કેજરીવાલ અને સંજયસિંહે રિવિઝન અરજી દાખલ કરી હતી, જોકે કોર્ટ દ્વારા રિવિઝન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે નીચલી અદાલતના આદેશને સાચો ઠેરવ્યો છે. હવે 23મી સપ્ટેમ્બર નીચલી કોર્ટમાં સુનાવણી થશે.
ADVERTISEMENT
બંને નેતા કોર્ટમાં હાજર ન રહેતા તેમની વિરુદ્ધ વોરન્ટ કાઢવાની માંગ યુનિવર્સિટીના વકીલ દ્વારા કરાઈ હતી. જેની સામે રાહત માટે બંને નેતા સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટને નિર્ણય લેવા કહ્યું હતું. જે બાદ ગુજરાત હાઈકોર્ટે 10 દિવસમાં રિવિઝન અરજી પર નિર્ણય લેવા સેશન્સ કોર્ટને આદેશ કર્યો. જેના પર આજે સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપતા રિવિઝન અરજીને ફગાવી દેવામાં આવી હતી. એવામાં હવે બંને નેતાઓ પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ છે.
સેશન્સ કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી દેતા હવે તેમની સામે મેટ્રો કોર્ટમાં 23મી સપ્ટેમ્બરની મુદતમાં કોર્ટની આગળની કાર્યવાહી ચાલશે. જેમાં સાક્ષીઓને તપાસવાની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.
કેજરીવાલે કરી હતી વાંધાજનક પોસ્ટ
નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. અમદાવાદ કોર્ટે આજે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. કોર્ટે દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા.
પીએમની ડિગ્રી સંબંધિત કેસ
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ADVERTISEMENT