Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં સોસાયટીના ગેટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડને રીક્ષા નીચે કચડીને હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના બની છે. સિક્યોરિટી ગાર્ડની ભૂલ માત્ર એટલી કે તેણે રીક્ષા ચાલકને રજીસ્ટરમાં એન્ટ્રી કરવા માટે કહ્યું હતું. જેનાથી ગુસ્સે થયેલા ચાલકે ગાર્ડ પર રીક્ષા ચડાવી દીધી હતી. જોકે સારવાર દરમિયાન સિક્યોરિટી ગાર્ડનું મોત થઈ જતા રામોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. ખાસ વાત એ છે કે આ જ સોસાયટીમાં ધારાસભ્યનું પણ ઘર આવેલું છે. ત્યારે ધારાસભ્યની સોસાયટીમાં જ સિક્યોરિટી ગાર્ડની હત્યાથી ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
સોસાયટીમાં જવા રજીસ્ટર ભરવાનું કહ્યું હતું
વિગતો મુજબ, વસ્ત્રાલમાં આવેલા પ્રણામી બંગ્લોઝ રહેતા પ્રમોદભાઈ મહેશ્વરીએ ઘરના સભ્યને રેલવે સ્ટેશન જવાનું હોવાથી ઓનલાઈન એપ મારફતે રીક્ષા બુક કરાવી હતી. આથી રીક્ષા ચાલક પેસેન્જરને લેવા માટે આવ્યો હતો. દરમિયાન નિયમ મુજબ ગેટ પર સિક્યોરટી ગાર્ડે રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહ્યું હતું. દરમિયાન પેસેન્જરે રીક્ષા મોડી આવતા ટ્રિપ કેન્સલ કરી નાખી, એવામાં ઉશ્કેરાઈને રીક્ષા ચાલકે સિક્યોરિટી ગાર્ડ પર રીક્ષા ચડાવી દીધી હતી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સારવાર દરમિયાન ગાર્ડનું મોત
જેમાં ઈજાગ્રસ્ત થયેલા રીક્ષા ચાલકને પહેલા સિંગરવાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીંથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે રામોલ પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ખાસ છે કે, આ જ સોસાયટીમાં ધારાસભ્યનું પણ ઘર આવેલું છે, ત્યારે ધારાસભ્યની સોસાયટીના ગેટ પર જ આ રીતે સિક્યોરિટી ગાર્ડની હત્યાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT