Ahmedabad News: ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો વચ્ચે દારૂપીને બેફામ વાહન હંકારતા નબીરાઓ બેફામ બન્યા છે. વડોદરામાં ગઈકાલે દારૂ પીને યુવકે 5 વાહને અડફેટે લીધા હતા, ત્યારે હવે અમદાવાદમાં પણ વધુ એક આ પ્રકારની ઘટના બની છે. શહેરના નાના ચિલોડા પાસે રાત્રે 9 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે એક્ટિવા અને કારને અડફેટે લેતા બંને ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસની નેમ પ્લેટ મળી છે અને અંદર દારૂની બોટલો પણ હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
બેફામ દોડતી કારે એક્ટિવા-કારને અડફેટે લીધા
વિગતો મુજબ, શનિવારે રાત્રે 9 વાગ્યે અમદાવાદ-ચિલોડા રિંગ રોડ પર એક કાર ચાલકે ટુ-વ્હીલર અને કારને અટફેટે લીધા હતા. કારની જોરદાર ટક્કરથી એક્ટિવા ચાલક પ્રણવ પટેલ અને કાર ચાલક પ્રજ્ઞેશ પટેલને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસની નેમ પ્લેટ મળી આવી છે અને અંદર દારૂની બોટલો પણ મળી છે. કાર ચાલકનું નામ ચિરાગ વાઘેલા હોવાનું ખૂલ્યું છે જે ગાંધીનગરમાં DG ઓફિસ ખાતે એમ.ટી. શાખામાં કારકુનમાં ફરજ બજાવે છે.
કારમાંથી દારૂની બોટલો મળી
અકસ્માત બાદ કારની આગળની સીટમાંથી દારૂની બોટલો મળી આવતા લોકોએ તેનો વીડિયો ઉતાર્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. DCP સફીન હસન પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.
(અતુલ તિવારી, અમદાવાદ)
ADVERTISEMENT