Ahmedabad Accident: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો, કારમાંથી દારૂની બોટલ મળી

Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટનામાં ખાખી પર ડાઘ લાગ્યો છે. શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે પોલીસકર્મીએ પુર ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો.…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટનામાં ખાખી પર ડાઘ લાગ્યો છે. શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે પોલીસકર્મીએ પુર ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવતા તે દારૂના નશામાં હોવાની આશંકા છે. અકસ્માતને પગલે પોલીસકર્મી સામે ગુનો નોંધીને હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મોડી રાત્રે પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત

વિગતો મુજબ, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક ચાર રસ્તા નજીક અનિરુદ્ધસિંહ વાઘેલા નામના હેડ કોન્સ્ટેબલે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. જેમાં અન્ય કારને ટક્કર વાગતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જે બાદ કાર ચાલકે હેડ કોન્સ્ટેબલ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું અને કાર ચાલક હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. આ ઉપરાંત કારમાં પોલીસની નેમ પ્લેટ તથા દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરીને તેનો ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દારૂની બોટલ મળતા કરી દાદાગીરી

બીજી તરફ સ્થાનિક લોકોનો આરોપ છે કે અકસ્માત બાદ હેડ કોન્સ્ટેબલે દાદાગીરી પણ કરી હતી અને દારૂની બોટલ ઝડપાયા બાદ પોલીસનો રોફ માર્યો હતો. પોલીસકર્મીએ લોકોને ધમકી પણ આપી હતી કે, તમારે જે કરવું હોય તે કરી લો.

    follow whatsapp