અમદાવાદ: શહેરના મણીનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે જવાહર ચોક પાસે એક કાર દિવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારમાંથી બિયરની બોટલો મળી આવી હતી. કાર ચાલક હિરેન દવે હતો તે તથા અન્ય 3 વ્યક્તિઓ તમામ દારૂના નશામાં હતા, આથી પોલીસે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસનો આરોપીઓની સરભરા કરતો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસે કાર ચાલક યુવકને ભણાવ્યો પાઠ
વીડિયોમાં દારૂના નશામાં કાર હંકારનારા આરોપી તથા તેની સાથે રહેલા અન્ય મિત્રને અકસ્માત સ્થળ પર જ પોલીસ લઈને પહોંચે છે. આ બાદ પોલીસ દ્વારા આરોપી હિરેન દવે તથા અન્ય આરોપીઓને બહાર કાઢીને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. પોલીસની લાકડી પડતા જ નબીરો ફરીથી આવું નહીં કરે તેમ આજીજી કરતો જોવા મળે છે.
3 દિવસમાં પોલીસે 192 લોકો સામે કેસ કર્યા
નોંધનીય છે કે, ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત બાદ અમદાવાદ પોલીસ બેફામ રીતે વાહન હંકાવનારા ચાલકો વિરુદ્ધ કડક થઈ છે. પોલીસ દ્વારા 22મી જુલાઈથી ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જોખમી રીતે વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 3 દિવસમાં જ 192 લોકો સામે કેસ કરવામાં આવ્યા છે. જેમાં 57 ઓવરસ્પીડના કેસ કરાયા છે, તો 16 કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના અને 119 કેસ જોખમી રીતે વાહન હંકાવનારા વિરુદ્ધ કેસ કરાયા છે.
ADVERTISEMENT