અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં પોલીસે તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા FSL રિપોર્ટ પણ મૂકવામાં આવ્યા છે અને તથ્ય પટેલ સામે કલમ 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 1700 પાનાની ચાર્જશીટ છે, તેમાં પૂરાવાની વાત કરીએ તો અમે 181 સાહિદોને તપાસ્યા છે, જેમાંથી 8 સાક્ષીઓના 164 મુજબ નિવેદનો લીધા છે. ઉપરાંત સ્થળની તપાસ FSL સાથે કરવામાં આવી છે, તમામ ઘટનાસ્થળનું વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઘટનાના સમયે વિઝિબિલિટી કેટલી હતી તેની તપાસ કરવામાં આવી છે, તેનાથી સંબંધિત એજન્સીઓના સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે. જગુઆર કારની RTO તરફથી તપાસ કરાવાઈ છે. કારમાં સવાર તમામ લોકોની પણ તપાસ કરાઈ છે, આરોપીનો DNA ટેસ્ટ પણ કરાયો છે. જે પોઝિટિવ આવ્યો છે.
તેમણે આગળ ઉમેર્યું કે, જગુઆર કારમાં અમુક સિસ્ટમ જે રેકોર્ડ થતું હોય છે, તેને અમે જગુઆર કંપની તરફથી લીધું છે, તેમાં કાર ઓવરસ્પીડમાં હોવાના તારણ આવ્યા છે. આરોપી જ્યારે કાર ચલાવતો હતો ત્યારે નજરે જોનારા સાક્ષીએ વીડિયો રેકોર્ડ કર્યો હતો, તેનું પણ FSL તરફથી નિરીક્ષણ કરીને આપવામાં આવ્યો છે. તેમાં પણ આરોપી ઓવરસ્પીડ કરતો હોવાનું જણાવાયું છે. આરોપીની પૂરઝડપે કાર ચલાવવાની આદત હતી તેને પણ અમે ચાર્જશીટમાં દાખલ કરી છે.
ઓવરસ્પીડની ઘટના બને ત્યાં રાત્રે પણ ટ્રાફિક પોલીસ રહેશે
અમદાવાદના તમામ રેસ ડ્રાઈવિંગ અને ઓવરસ્પીડની ઘટના બનતા હોય તેવા પોઈન્ટ પર રાત્રે પણ ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવશે, જેથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય. અમને કોઈના ફરવા પર વાંધો નથી. બધાને એક જ અપીલ છે કે જવાબદાર નાગરિક તરીકે બહાર નીકળે.
ADVERTISEMENT