Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર પોલીસકર્મીનો કારમાં દારૂની બોટલ સાથે શંકાસ્પદ હાલતનો વીડિયો વાઈરલ થયો છે. શહેરના આનંદનગર વિસ્તારમાં મુખ્ય રોડ પર પોલીસના બોર્ડવાળી એક કાર રોડ વચ્ચે પડી હતી અને અંદર એક વ્યક્તિ આરામ કરી રહ્યો હતો. સ્થાનિકોએ કારની તપાસ કરતા અંદર દારૂની ખાલી બોટલ પડેલી મળી હતી. જેનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે. તો રાજકોટમાં બે મહિલા પોલીસકર્મીઓ રેલવેના પાટા ઓળંગતા વીડિયોમાં કેદ થઈ ગયા છે.
ADVERTISEMENT
પોલીસ નેમપ્લેટવાળી કારમાં દારૂની બોટલ
રાજ્યમાં દારૂબંધીનું કડક પાલન કરાવવાની જવાબદારી જેના સીરે છે તેવા પોલીસકર્મીઓ જ દારૂ સાથે ઝડપાતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદના આનંદનગર રોડ પર એક સફેદ રંગની કાર પોલીસ નેમ પ્લેટ સાથે રોડ પર પડી હતી. આથી સ્થાનિક લોકોએ તપાસ કરતા કારમાં એક વ્યક્તિ આરામ કરતો હતો અને કારની પાછલી સીટમાં દારૂની ખાલી બોટલ પડેલી મળી હતી. પોલીસકર્મી દારૂ પીને કારમાં સૂતો હોવાની શંકા છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
કારમાં સૂતેલો યુવક પોલીસકર્મી
કારમાં સૂતેલો વ્યક્તિ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આનંદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PIએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ દ્વારા આ પોલીસકર્મી વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
રાજકોટમાં મહિલા પોલીસકર્મીઓએ રેલવેના પાટા ઓળંગ્યા
રાજકોટ રેલવે સ્ટેશન પર કાયદાના રક્ષકોએ જ કાયદો તોડ્યાનો વીડિયો સામે આવ્યો છે. મહિલા પોલીસ જવાનો જ રેલવે સ્ટેશન પર પાટા ઓળંગી રહ્યા છે. બે મહિલા પોલીસ જવાનો પાટા ઓળંગતા હોવાનો વીડિયો વાયરલ થયો. રેલવે સ્ટેશન પર પાટા ઓળંગવા પર પ્રતિબંધ હોય છે, જો કોઈ આવું કરે તો કાર્યવાહી થાય છે. કદાચ મહિલા પોલીસ કર્મીઓને એમ હશે કે મને કોઈ કહેવા વાળું નથી? ત્યારે રેલવે પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું.
ADVERTISEMENT