અમદાવાદ: શહેરમાં બનતી ચોરીની ઘટનાઓમાં અમદાવા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. ગ્રામ્ય પોલીસે ખાસ મોડસ ઓપરન્ડીથી ચોરી કરતી પુનિયા ગેંગના સાગરિતોને ઝડપી પાડ્યા છે. સાથે જ રૂ.20 લાખથી વધુના સોનાના દાગીના પણ આ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેઓ કોઢ, નળ સરોવર, વિરમગામ અને સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં ચોરીને અંજામ આપતા હોવાનું ખુલ્યું હતું.
ADVERTISEMENT
પોલીસની પકડથી બચવા કેવી યુક્તિ અપનાવતા
આરોપીઓ ચોરી કરેલા મુદ્દામાલને બેંકના લોકરમાં કે પરિવારજનોના ઘરે છુપાવી દેતા હતા. જેથી તેઓ લાંબો સમય સુધી પોલીસની પકડથી દૂર રહી શકે. કસ્ટડીમાં લીધેલા આરોપી પૂનમ ઉર્ફે પુનો પગી, અલ્પેશ કોળી અને અશોક કોળી છે. પુનિયા ગેંગના આ સાગરીતોની પૂછપરછમાં તેમણે આચરેલી 7 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ તેમની પાસેથી 20.25 લાખ રૂપિયાના સોનાના દાગીના પણ કબ્જે કરવામાં આવ્યા છે.
આ ગેંગના સાગરિતો એવા મકાનોને ટાર્ગેટ કરતા હતા જેના માલિક પરિવાર સાથે ઘરની બહાર અથવા ધાબા પર સૂતા હોય. આરોપીઓ ચોરીને એવી રીતે અંજામ આપતા હતા કે તિજોરીની નજીક સૂતેલા વ્યક્તિને પણ ચોરી થયાનો ખ્યાલ ન આવે અને ચોરી બાદ ગેંગના સાગરીતોને બદલી નાખતા હતા જેથી પોલીસ તમામ આરોપીઓ સુધી ન પહોંચી શકે. સાથે જ ચોરીનો સામાન વેચવાના બદલે બેંકના લોકર કે ઘરમાં સંતાડી રાખતા હતા બાદમાં આ દાગીનાને બેંકમાં ગીરવે મૂકીને તે પૈસાથી મોજશોખ કરતા હતા.
ADVERTISEMENT