Ahmedabad News: અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં તસ્કરોએ ખરેખર દિવાળી ઉજવી દીધી છે. તસ્કરોએ 9થી 22 નવેમ્બર સુધીમાં 17 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને કુલ 1.76 કરોડના દાગીના અને રોકડની ચોરી કરી દીધી. વાસ્તવમાં આ દરમિયાન શહેરનું સમગ્ર પોલીસ તંત્ર મેચના બંદોબસ્તમાં વ્યસ્ત હતું અને પોલીસની વ્યસ્તતાનો તસ્કરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો.
ADVERTISEMENT
બંદોબસ્તમાં લાગ્યું હતું પોલીસ તંત્ર
દિવાળીની રજાઓમાં 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેને જોવા માટે રાજકીય નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ, પૂર્વ ક્રિકેટરો, વિદેશીઓ સહિત મોટી-મોટી હસ્તીઓ અમદાવાદ આવી હતી.વીવીઆઈપીઓ અને ટીમના ખેલાડીઓ હોટલોમાં રોકાયા હતા. જેથી હોટલની આસપાસ, સ્ટેડિયમ ખાતે પોલીસ મેચના 10 દિવસ અગાઉ જ બંદોબસ્તમાં લાગી ગઈ હતી.
તસ્કરોને મળી ગયું મોકળું મેદાન
પોલીસે વર્લ્ડ કપની મેચને લઈને શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખાસ કરીને સ્ટેડિયમની અને બંને ટીમના ખેલાડીઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ મેચના બંદોબસ્તમાં વ્યસ્ત થઈ જતાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું.
17 ચોરીની ઘટનાને આપ્યો અંજામ
એક રિપોર્ટ મુજબ, તસ્કરોએ પોલીસની વ્યસ્તતા ભરપૂર લાભ ઉઠાવતા શહેરમાં 9થી 22 નવેમ્બર સુધીમાં 17 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ લોકોના ઘરમાંથી રૂ.1.76 કરોડના દાગીના-રોકડ રકમ ચોરી ગયા હતા. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ ચોરોને પકડીને પૈસા અને દાગીના ક્યારે પાછા લાવી શકે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT