અમદાવાદ: અમદાવાદમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગઈકાલે ગુરુવારે શહેરના પૂર્વ વિસ્તારમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે ચોમાસાના કારણે શહેરમાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે મણીનગર બાદ આજે ગોમતીપુરમાં જર્જરિત ક્વાર્ટર્સના મકાનોમાં કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. ગોમતીપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગનો સીડીનો ભાગ ધરાશાયી થતા લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં દોડી ગઈ હતી.
ADVERTISEMENT
વિગતો મુજબ, ગોમતીપુર કામદાર મેદાન સારંગપુર બ્રિજ પાસે સ્લમ ક્વાર્ટ્સમાં એકાએક સવારના સમયે બીજા માળની સીડીનો ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે બિલ્ડિંગમાં રહેતા 25થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ માટે દોડી ગઈ હતી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. હાલમાં કોઈપણ પ્રકારની જનહાનિના સમાચાર નથી. દુર્ઘટના બાદ લોકો બિલ્ડિંગમાંથી પોતાનો જર્જરિત સામાન લઈને ઘર ખાલી કરી રહ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે મણીનગરના ઉત્તમનગર સ્લમ ક્વાટર્સમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. વહેલીસવારે બનેલી આ દુર્ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થતા ટળી હતી.
ADVERTISEMENT