Ahmedabad News: અમદાવાદ શહેરમાં દોઢ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટનાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બાળકી ઘર પાસે રમી રહી હતી, આ દરમિયાન પાડોશમાં રહેતા યુવકે બિસ્કિટ અપાવવાના બહાને તેને બોલાવીને પીંખી નાખી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં ઘર પાસે પડેલી મળતા પરિજનો દોડતા થયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચ્યા બાદ પાડોશી નરાધમ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ઘર પાસે રમતી બાળકી પર નરાધમે નજર બગાડી
શહેરના વાડજ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી બપોરે ઘર પાસે રમી રહી હતી. થોડા સમય બાદ માતા-પિતા બાળકીને શોધવા નીકળ્યા તો ક્યાં દેખાઈ જ નહીં. આથી પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી. ત્યારે ઘરેથી થોડે દૂર બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. આ જોઈને લોકો બુમો પાડવા લાગ્યા હતા અને તેના શરીરની આસપાસમાં લોહીના પણ ડાઘ હતા આથી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. બાળકીના શ્વાસ ચાલુ હતા, પરંતુ કંઈ બોલી શકતી નહોતી.
બેભાન હાલતમાં મળી આવી બાળકી
પરિજનો પણ આ બધુ જોઈને ડરી ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરતા બાળકીના ગુપ્ત ભાગમાં ઈજાઓ હતી, જેનાથી તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા આસપાસમાં રહેતો એક 34 વર્ષનો યુવક ગુમ હતો, જેથી પોલીસને તેના પર આશંકા ગઈ અને તેને શોધીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી.
પાડોશી યુવક જ નીકળ્યો આરોપી
જે બાદ પોલીસે જણાવ્યું હતું કે, શ્રમજીવી પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા યુવકે બિસ્કીટની લાલચ આપીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, આ બાદ તે બાળકીને ઘરથી થોડે દૂર ફેંકીને ફરાર થઈ ગયો હતો. પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને પોક્સોની કલમમાં ફરિયાદ નોંધી હતી.
ADVERTISEMENT