અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર હંકારીને લોકોને અડફેટે લેનારા નબીરા તથ્ય પટેલનો કિસ્સો હજુ લોકોની નજર સમક્ષ છે, ત્યાં મણીનગરમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક નબીરાએ દારૂ પીને રોડ પર બેફામ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કારમાંથી બિયરની 3 જેટલી બોટલો મળી આવી હતી અને કારમાં સવાર ડ્રાઈવર સહિતના ચારેય લોકો દારૂના નશામાં હતા, જે બાદ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીઓની અટકાયત કરી છે.
ADVERTISEMENT
જવાહરચોક પાસે કાર પલટી મારી ગઈ
વિગતો મુજબ, પોલીસ કન્ટ્રોલ રૂમને મોડી રાત્રે ફોન મળ્યો હતો કે મણીનગરમાં જવાહર ચોક પાસે એક ગાડી પલટી મારી ગઈ છે. આથી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા કાર ચાલક હિરેન દવે બીયર પીધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે કારમાં સવાર અન્ય 3 યુવકો પણ નશામાં હોવાનું જણાયું હતું. આરોપી હિરેન દવેએ પોલીસને જણાવ્યું હતું કે તે 60થી 80ની સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો. અચાનક કોઈ અજાણી કારના ડીપરના કારણે આંખો અંજાઈ જતા ગાડી ડાબી બાજુ ટર્ન મારતા તે પલટી ગઈ હતી. કારમાંથી પોલીસને બિયરની 3 બોટલ મળી હતી. પોલીસે તમામ લોકોને અટકાયત કરી હતી.
બાંકઠા પર બેસેલા લોકો ભાગી જતા જીવ બચ્યો
નોંધનીય છે કે, અકસ્માત સ્થળે બાંકડા પર લોકો બેઠેલા હતા, જોકે સામેથી અચાનક કાર આવતી જોતા લોકો ત્યાંથી ભાગી ગયા હતા, જેના કારણે તેમના જીવ બચી ગયા હતા. નહીંતર તથ્ય પટેલની જેમ વધુ એક નબીરાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હોત.
ADVERTISEMENT