Ahmedabad News: વિદેશ જવાની લાલચમાં અનેક લોકો છેતરપિંડીનો શિકાર થયા છે. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં પણ કેનેડાના વર્ક વિઝા મેળવવા જતા 33 વર્ષના યુવકે 48 લાખ રૂપિયા ગુમાવી દીધા. છેતરપિંડી બાદ યુવકે 3 એજન્ટ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ લાખોની છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો છે.
ADVERTISEMENT
કેનેડાના વર્ક વિઝા લેવા જતા લાખો ગુમાવ્યા
વિગતો મુજબ, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 33 વર્ષના વિરલ પટેલને કેનેડા જવાનું હોવાથી પોતાના મિત્રને વાત કરી હતી. એવામાં મિત્રએ ગાંધીનગરમાં આવેલા પેલિકન ઈમિગ્રેશન કન્સલ્ટન્સીમાં જવા માટે કહ્યું હતું. આથી વિરલ પટેલ મિત્ર પર વિશ્વાસ રાખીને ત્યાં ગયા. જ્યાં એજન્ટોએ તેમને પ્રોમિશ આપીને સપ્ટેમ્બર સુધીમાં કેનેડા મોકલી આપવાનું કહ્યું. જે બાદ તેઓ પોતાના સાળા અને અન્ય 4 મિત્રોને લઈને ત્યાં ગયા અને બધાના કેનેડા જવાની વાત કરી.
કેવી રીતે સામે આવ્યો મામલો?
જે બાદ એજન્ટે 1 કરોડ 16 લાખમાં પેકેજ પડશે એમ કહ્યું. જે બાદ વિરલભાઈ અને તેમના સાળાએ હપ્તામાં 48 લાખની રકમ ભરી દીધી અને તેમને એજન્ટોએ LMIA લેટર બનાવીને આપ્યો સાથે કેનેડામાં નોકરીની ગેરંટી પણ આપી દીધી. એવામાં સાળા-બનેવી બંને કેનેડા જવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે જ્યારે વિઝા સ્ટેમ્પની વાત આવી ત્યારે માલુમ પડ્યું કે સ્ટેમ્પ ખોટા છે. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વિરલ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT