Ahmedabad News: અમદાવાદમાં રોડ પર ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ એક્ટિવા લઈને જઈ રહ્યો હતો, દરમિયાન પાછળથી બાઈક પર આવતા યુવક અને યુવતીએ તેની સાથે તકરાર કરી હતી. આ દરમિયાન તકનો લાભ લઈને ત્રીજી વ્યક્તિ એક્ટિવાની ડેકીમાંથી રોકડ અને મોબાઈલ મળીને 3.69 લાખની મતાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
પેઢી માંથી પૈસા લઈને જતા યુવક સાથે ચોરી
વિગતો મુજબ, અમદાવાદના જમાલપુરમાં રહેતા ઈલિયાસ બલ્લુવાલાને નોકરી પર તેમના શેઠે સીજી રોડ પર એક પેઢીમાંથી પૈસા લેવા જવા કહ્યું હતું. તેઓ પેઢીમાં ગયા જ્યાં તેમને 3.64 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ બાદ તેમણે શેઠને ફોન કરીને પૈસા મળી ગયા હોવાથી પોતે પાછા આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને આસ્ટોડિયા તરફ જવા માટે નીકળ્યા હતા.
યુવક-યુવતીએ ઝઘડો કર્યો અને ત્રીજો વ્યક્તિ પૈસા કાઢી ગયો
આ દરમિયાન લો ગાર્ડન સર્કલથી એનસીસી સર્કલ તરફના રોડ પર તેઓ જતા હતા એટલામાં એક અજાણ્યા બાઈક પર યુવક અને યુવતી આવ્યા અને ‘તમારું વાહન સરખું ચલાવો’ કહીને એક્ટિવા આગળ જ તેમનું બાઈક ઊભું રાખી દીધું. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એટલામાં અન્ય એક બાઈક ચાલક આવ્યો અને એક્ટિવાની ડેકી ખોલીને રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. જે બાદ ઈલિયાસભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT