અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર બેદરકારીથી કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલમાં જેલમાં બંધ છે. તથ્યકાંડમાં પોલીસે 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, તથ્ય સાથે કારમાં બેઠેલા મિત્રોએ તેને સ્પીડ ઓછી કરવા માટે કહ્યું હતું, પરંતુ તે માન્યો નહી અને વધુ સ્પીડમાં કાર હંકારી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તથ્ય પટેલ અકસ્માત કેસમાં પોલીસ હાલ વિસ્મય શાહ કેસમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખી છે. તથ્ય સાથે કારમાં સવાર તમામ લોકોના વીડિયોગ્રાફી નિવેદન લીધ છે અને તથ્યના આંખનું વિઝન પણ ચકાસ્યું છે જે બરાબર હોવાનો રિપોર્ટ આવ્યો છે.
ADVERTISEMENT
અકસ્માતની ઘટના બાદ મિત્રોએ નાસ્તો કર્યો
ચાર્જશીટમાં સાક્ષીએ આપેલા નિવેદન મુજબ, અકસ્માત બાદ તથ્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે પ્રજ્ઞેશ પટેલે હાજર મિત્રોને પરિવારને જાણ કરવા કહ્યું હતું. ત્યારબાદ આર્યન, શાન, જુરમીલ સહિતના કેટલાક મિત્રો ઉદગમ ફૂડ સ્ટેસને ગયા હતા અને નાસ્તો કર્યા બાદ ઘરે ગયા હતા. અકસ્માતમાં 9 માસુમના મોત બાદ પણ લાગણીહીન બનેલા મિત્રો નાસ્તાની જયાફત માણવા પહોંચ્યા હતા.
તથ્યએ જેલમાં બહારથી ટિફિનની વ્યવસ્થા માટે અરજી કરી
તથ્ય પટેલે હાલમાં અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. તેમાં તેણે જેલમાં ભોજન ભાવતું નથી તેથી તેને બહારથી ટિફિન વ્યવસ્થા મળી શકે તે માટે અરજી કરી છે. તેણે એવી પણ માગ કરી છે કે ટિફિન આપવા આવનાર સાથે મુલાકાત થાય અને તે માટે પરવાનગી માગી છે. તથ્યએ કોર્ટે કહ્યું છે કે, તેને જેલનું જમવાનું ભાવતુ નથી તેથી તેને બહારથી ટિફિન મેળવી શકાય તે માટેની પરવાનગી જોઈએ છે. ઉલ્લેખનીય છે કે પોતાના વ્હાલાઓને આ અકસ્માતમાં ગુમાવનારા પરિવારોના ગળેથી હજુ પણ નિરાતે કોળીયા નથી ઉતરતા, હજુ આ પરિવારોને પોતાના વ્હાલાઓની હયાતીના ભણકારા વાગે છે, હજુ આ પરિવારોને પોતાના જુવાન જોધ સ્વજનના ગુમાવ્યા પછી આવનારા ભાવીની ચિંતાઓ થઈ રહી છે ત્યાં તથ્યને જેલના બે કોળિયા કાઠા પડી રહ્યા છે, ભણતરને લઈ પોતાના ભાવિની ચિંતા થઈ રહી છે.
જેલમાં ભણવા માટે ચોપડી માગી
કોલેજ અને શાળામાં ભણવામાં ધ્યાન ના આપનારા તથ્યને ભણતરને લઈને પણ ચિંતા થઈ છે. તથ્યએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ માગણી કરી છે કે તેનો અભ્યાસ પુરો કરવાનો હોવાથી બુક જેલમાં લાવવા દેવાય. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં આરોપીને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. પ્રજ્ઞેશ અને તથ્ય એમ બંને બાપ બેટાએ 1641 મુજબના નિવેદનોની કોપી પણ માગી હતી. તેણે આ અરજીમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટ્સ માગ્યા છે. સાથે જ બાઈક ચાલકે ઉતારેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજીસની માગ કરી છે. તેની માગણીઓમાં મહત્વની માગણી એ હતી કે તે 20 વર્ષનો હોઈ તેને ડિસ્ટન્સ લર્નિંગની પરવાનગી આપવામાં આવે.
આ ઉપરાંત તેણે કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે પરિવારના સભ્યોને જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરવાનગી છે. આ પરવાનગીને વધારવામાં મતલબ કે અઠવાડિયામાં મુલાકાત માટે આવવાના વારામાં વધારો કરવાની તેણે માગ કરી હતી.
ADVERTISEMENT