Ahmedabad Hit and Run: અમદાવાદના નિકોલ વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કાર ચાલકે એક પરિવારના ત્રણ લોકોને કચડી નાખ્યા હતા અને બાદમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હોવા છતાં તે ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
રાત્રે ચાલવા નીકળેલા પરિવારને કારે ઉડાવ્યો
મળતી માહિતી મુજબ, આ ઘટના નિકોલના ગુરુકુલ સર્કલ પાસે બની હતી. અહીં એક પરિવાર રાત્રિના સમયે ચાલવા માટે નીકળ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પરિવારના ત્રણ સભ્યો રોડની બાજુમાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. જોકે આ જ સમયે અચાનક એક કાર ચાલકે તમામને કચડી નાખ્યા અને પછી ત્યાંથી કાર હંકારીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સર્જીના કાર ચાલક ફરાર
કારની ટક્કર થતાં જ પરિવારના સભ્યો ઉછળીને આગળ પડ્યા હતા. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. કાર ચાલકે આગળ વધીને કારની સ્પીડ ધીમી કરી હતી, પરંતુ તે પછી તેણે કાર ભગાડી દીધી હતી. આ ઘટનામાં પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે.
પોલીસે કાર ચાલક વિરુદ્ધ નોંધી ફરિયાદ
આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT