Ahmedabad Crime News: અમદાવાદમાં માસા-ભાણીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ચાંગોદરમાં ફાર્મા કંપની ધરાવતા માસાએ ભાણીને 'તારી લાઈફ બનાવી દઈશ' કહીને નોકરીએ રાખી હતી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવીને સંબંધો બાંધ્યા હતા. ભાણી ગર્ભવતી થતા તેને તરછોડી દેતા બદનામીના ડરથી યુવતીએ આપઘાત કરી લીધો. હવે યુવતીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે માસા વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
માસાએ જ ભાણીની જીંદગી સાથે રમત રમી
વિગતો મુજબ, વેજલપુરમાં રહેતા યુવકે બોપલમાં રહેતા માસા વિરુદ્ધ પોલીસમાં આપઘાતના દુષ્પ્રેરણા, બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, યુવક તેની પત્ની, દીકરી અને બહેન સાથે અહીં રહે છે. બહેન 2020થી ચાંગોદરમાં આવેલી માસાની ફાર્મા કંપનીમાં નોકરી કરતી હતી. યુવતીએ 1 જુલાઈ 2024ના રોજ નોકરી છોડી દીધી અને બાદમાં 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. બહેનના અંતિમ સંસ્કાર બાદ ભાઈએ તેના આપઘાતનું કારણ જાણવા તપાસ કરી અને બહેનની સાથે કામ કરતી યુવતીને પૂછ્યું હતું.
યુવતીની બહેનપણીએ ખોલ્યું આપઘાતનું કારણ
દરમિયાન યુવતીની બહેનપણીએ જણાવ્યું કે, નોકરીએ લાગ્યા બાદ યુવતીએ તેને કહ્યું હતું કે, તેના માસાએ 'તું મને ખુશ કરી દે, હું તારી લાઈફ બનાવી દઈશ' કહીને તેની સાથે ઓફિસમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ વાત માલુમ પડતા જ માસાએ તેને તરછોડી દીધી હતી, આથી સમાજમાં બદનામીના ડરે આખરે યુવતીએ આપઘાત કરી લીધો હતો.
યુવતી-માસા વચ્ચેની ચેટ સામે આવી
યુવતીના સોશિયલ મીડિયામાંથી તેના અને માસા વચ્ચેના ચેટ પણ મળી આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, તમે મારી લાઈફ સાથે 3 વર્ષ રમ્યા. મેં તમારું શું બગાડ્યું હતું. મારી લાઈફ ખરાબ કરી નાખી. મારો શું વાંક, હવે મરવા પર વાત આવી ગઈ, તમે મને પ્રેગ્નેન્ટ કરીને સમાજમાં બદનામ કરવા માટે છોડી દીધી. હવે સહન નથી થતું. હું મરી જઈશ.
ADVERTISEMENT