Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 500થી પણ વધુ મોંઘી ગાડીઓની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીની મદદથી લક્ઝુરિયસ ગાડીની ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે. સાથે જ આરોપીઓની પાસેથી 10 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ કબજે કરવામાં આવી છે. જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, અલ્કઝાર, ક્રેટા, બ્રેઝા જેવી 1 કરોડ 32 લાખની કાર છે.
ADVERTISEMENT
કેવી રીતે ચોરી કરતા મોંઘીદાટ ગાડીઓ?
અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઉત્તર પ્રદેશના મેરઠના વતની અશરફસુલતાન તેમજ રાંચીના ઈરફાન ઉર્ફે પિન્ટુને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા છે. ઇરફાન ઉર્ફે પિન્ટુને દિલ્લી શહેર પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડ છેલ્લા દોઢ વર્ષથી શોધી રહી હતી. અશરફસુલતાન અગાઉ દિલ્લીમાં ફોરવ્હિલર ગાડીઓની ચોરીમાં ઝડપાઈ પણ ચૂક્યો છે. આરોપીઓએ યુપી, દિલ્લી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના સાગરીતો સાથે મળીને ગેંગ બનાવી હતી. જેમાં પ્રીમિયમ ગાડીઓનો સુરક્ષા કોડ ડીકોડ કરી ગેંગ દ્વારા 500 જેટલી ગાડીઓ ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ લક્ઝુરિયસ ગાડીઓના કોડ લેપટોપ દ્વારા બદલીને જે તે કાર ચોરી કરતા અને ચોરી કરનાર વ્યક્તિને 50 હજાર રૂપિયા આપતા હતા. ગાડી ચોરી કર્યા બાદ તેનો ચેચીસ તેમજ એન્જીન નંબર બદલીને અન્ય રાજ્યમાં કાર વેચવામાં આવતી હતી.
લક્ઝુરિયસ કાર ચોરી કર્યા બાદ કેવી રીતે વેચતા?
આ બાદ આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાં આરટીઓ સાથે સાંઠગાંઠ કરી NOC મેળવી ગાડીઓનું પાસીંગ કરાવવામાં આવતું હતું. ગ્રાહકોને ગાડીના ફોટો વૉટ્સએપ કરવામાં આવતા અને ગાડી પસંદ આવે એટલે અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી NOC લેટર બનાવી આપીને પાસીંગ કરાવી ગ્રાહક પાસેથી બુકિંગ માટે એડવાન્સ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવતા હતા. જેમાં પિન્ટુ ગાડીઓની ડીલ કરવા ગાડીઓ ખરીદનાર વ્યક્તિના ખર્ચે જે તે રાજ્યમાં હવાઈ મુસાફરી કરીને મોંઘી હોટલમાં રોકાણ કરતો. જ્યારે અશરફ ગાઝી ડ્રાઇવિંગ કરીને કાર જે તે રાજ્ય સુધી લઇ જતો હતો.
દિલ્હીમાંથી 9 અને UPમાંથી 1 ચોરીની ગાડી કબ્જે કરાઈ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 ગાડીઓ કબ્જે કરી એમાંથી એક ગાડીની યુપીમાં તેમજ નવ ગાડીઓની દિલ્લી શહેરમાં ચોરી થવા અંગે FIR નોંધાયેલી છે. બંને આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી લક્ઝુરિયસ કાર ચોરી કરતા હતા અને લાખો રૂપિયા મેળવતા હતા. બંને ઝડપાયેલા આરોપીઓને દિલ્લી પોલીસ ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરશે. આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાં આરટીઓની પણ સાંઠગાંઠ હોવાથી આગામી દિવસમાં વધુ ગાડીઓ અંગે ખુલાસાઓ થશે.
ADVERTISEMENT