Ahmedabad News: અમદાવાદમાં લોકોના રક્ષણ માટે રહેલી પોલીસ જ ભક્ષક બની હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે રાત્રે ચેકિંગના બહાને દંપતી પાસેથી પૈસા પડાવી લીધા છે. દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. આ દરમિયાન તેમને રસ્તામાં રોકીને જાહેરનામાનો ભંગ કર્યો છે એમ કહીને ગુનો ન નોંધવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી. આખરે રૂ.60 હજાર આપવાનું નક્કી કરીને પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયે અને ATMમાંથી પૈસા ઉડાવ્યા હતા.
ADVERTISEMENT
થાઈલેન્ડથી ફરીને આવતા દંપતીને પોલીસનો કડવો અનુભવ
વિગતો મુજબ, શહેરના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા પોતાની પત્ની અને 1 વર્ષના બાળક સાથે થાઈલેન્ડથી ફરીને 25 ઓગસ્ટની રાત્રે ટેક્સીમાં અરપોર્ટથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન એસ.પી રીંગ રોડ પર ઓગણજ ટોલ ટેક્સ સર્કલ તરફ જતા રસ્તે પોલીસની ગાડી ઊભી હતી અને ખાખી વર્દીમાં બે વ્યક્તિ અને એક સિવિલ ડ્રેસમાં હતો. ત્યારે સિવિલ ડ્રેસમાં રહેલી વ્યક્તિએ ટેક્સી ઊભી રખાવી અને કહ્યું, તમે આ સમયે ક્યાંથી આવો છે? ખબર નથી પડતી અત્યારે ડ્રાઈવ ચાલે છે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. આથી તમારી વિરુદ્ધ ફરિયાદ કરવાની છે.
જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું કહીને તોડ કર્યો
આમ કહીને મિલનભાઈને પોલીસની વાનમાં બેસાડી દીધા અને ટેક્સીમાં તેમની પત્ની અને દીકરા સાથે પોલીસ વર્દીમાં રહેલો શખ્સ બેસી ગયો અને મોબાઈલ લઈને સ્વીચ ઓફ કરી દીધો. બાદમાં ટેક્સી અને પોલીસવાન અજ્ઞાત સ્થળે લઈ જઈને ઊભી રાખી અને 2 લાખની માગણી કરી. જોકે મિલનભાઈએ એટલા પૈસા ન હોવાથી 10 હજાર આપવાની વાત કરી. રકઝક બાદ 60 હજાર લેવાનું નક્કી કર્યું બાદમાં તેઓ મિલનભાઈને SBIના ATM પાસે લઈ ગયા અને 40 હજાર ઉપડાવીને લઈ લીધા. બાદમાં ટેક્સી ડ્રાઈવરના ખાતામાં પણ 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા અને તેની પાસેથી 20 હજાર ATMમાંથી ઉપડાવીને તે પણ લઈ લીધા.
સમગ્ર ઘટના બાદ બીજા દિવસે મિલનભાઈ સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ઘટના પર પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા ટ્રાફિક પોલીસના 3 કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. ત્રણેયની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT